હવે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખતરો બની રહ્યુ છે આ માસ્ક. કોવિડ રોગચાળા દરમિયાન લાખોની સંખ્યામાં ડિસ્પોઝેબલ ફેસ માસ્ક ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા હતા. જે હવે ખતરનાક રસાયણો છોડે છે. નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

વપરાયેલા માસ્ક પર્યાવરણ અને માનવો માટે ખતરો

કોવિડ રોગચાળા દરમિયાન ઉપયોગમાં લેવાતા અને ફેંકી દેવામાં આવેલા માસ્ક પર્યાવરણ અને માનવો માટે મોટો ખતરો બની ગયા છે. પ્લાસ્ટિકથી બનેલા આ માસ્ક તૂટીને માઇક્રોપ્લાસ્ટિક અને ખતરનાક રસાયણો મુક્ત કરી રહ્યા છે. જે માનવ સ્વાસ્થ્ય, પ્રાણીઓ અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. કોવિડ સમયગાળા દરમિયાન માસ્કની માંગ એટલી બધી હતી કે તેમના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા નહોતી. જેના કારણે તેમને કચરામાં અથવા ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા હતા. આ માસ્ક મોટાભાગે પોલીપ્રોપીલીન અને અન્ય પ્લાસ્ટિકના બનેલા હોય છે.

વધુ માઇક્રોપ્લાસ્ટિક મુક્ત

ઇંગ્લેન્ડની કોવેન્ટ્રી યુનિવર્સિટીના સેન્ટર ફોર એગ્રોઇકોલોજી, વોટર એન્ડ રેઝિલિયન્સની સંશોધન ટીમે તપાસ કરી છે કે, માસ્ક પાણીમાં રાખવામાં આવે ત્યારે કેટલી માત્રામાં માઇક્રોપ્લાસ્ટિક મુક્ત થાય છે. તેઓએ નવા ખરીદેલા વિવિધ પ્રકારના માસ્કને 24 કલાક શુદ્ધ પાણીમાં રાખ્યા અને બાદમાં પાણીનું પરીક્ષણ કર્યું. દરેક માસ્કમાંથી માઇક્રોપ્લાસ્ટિક મુક્ત થયા. પરંતુ FFP2 અને FFP3 માસ્ક 4 થી 6 ગણા વધુ માઇક્રોપ્લાસ્ટિક મુક્ત કરે છે. આ માસ્ક વાયરસ સામે રક્ષણ માટે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. આ હવે સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો

આ સંશોધનના મુખ્ય લેખક, અન્ના બોગુશ કહે છે કે હવે આપણે ફેસ માસ્કનું ઉત્પાદન, ઉપયોગ અને નિકાલ વિચારપૂર્વક કરવા પડશે. આપણે એવા વિકલ્પો શોધવા પડશે જે પર્યાવરણ માટે સલામત હોય અને રિસાયકલ કરી શકાય. આ સાથે, લોકોમાં આ જોખમ વિશે જાગૃતિ વધારવી પણ મહત્વપૂર્ણ છે જેથી તેઓ વધુ સારા વિકલ્પો પસંદ કરી શકે. કોવિડ દરમિયાન આપણા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે જે માસ્ક ખૂબ જ મહત્વપૂર્ણ હતા. તે હવે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની ગયા છે. 


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. 



  • Follow us on: