પાકિસ્તાન અને પીઓકેમાં ભારે વરસાદ અને પૂરથી 154 લોકોના મોત થાય છે. તો મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યુ છે. ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં ઘણા જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. અહીં તંત્રે રાહત અને બચાવ કામગીરી શરુ કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
પાકિસ્તાનમાં વરસાદની તારાજી
24 કલાકમાં પાકિસ્તાન અને પીઓકેમાં ભારે વરસાદ અને અચાનક પૂરથી ભારે વિનાશ થયો છે. આફતમાં 154 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ છે. સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થઈ છે, જ્યાં વાદળ ફાટવા અને જોરદાર પ્રવાહથી ઘણા જિલ્લાઓમાં જાનહાનિ અને માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બુનેર જિલ્લામાં 75, માનશેરામાં 17 અને બાજૌર અને બટાગ્રામ જિલ્લામાં 18-18 લોકોના મોત થયા છે. લોઅર ડીરમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. સ્વાતમાં ચાર અને શાંગલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ના પ્રવક્તા ફૈઝીએ જણાવ્યું હતું કે ગુરુવાર રાતથી ચાલુ થયેલા વરસાદ અને પૂરમાં બાળકો સહિત 125થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
રાહત અને બચાવ કામગીરી શરુ
બાજૌર જિલ્લા ઇમરજન્સી ઓફિસર અમજદ ખાનના નેતૃત્વમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સ્વાત અને બાજૌરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાકિસ્તાન આર્મીની ટીમો પણ સક્રિય છે. જ્યાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અમીન અલી ગંડાપુરે રાહત કાર્યમાં તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના ઘીઝર જિલ્લામાં અચાનક આવેલા પૂરમાં આઠ લોકોના મોત થયા છે અને બે અન્ય ગુમ થયા છે.