એક તરફ સાઉદી અરેબિયા અને કતાર જેવા મધ્ય પૂર્વીય દેશો કે જ્યાં શરિયા કાયદો લાગુ કરવામાં આવે છે, જે કાયદો અને વ્યવસ્થા બાબતે ખુબજ કડક નિયમ પાલન સૂચવે છે, તો બીજી તરફ જર્મનીમાં કેદીઓને ભાગી જવા બદલ સજા આપવામાં આવતી નથી.
જર્મનીમાં જેલમાંથી ભાગી જવાની સજા કેમ નથી મળતી?
જર્મની સરકારના કાયદા બંધારણમાં આ નિયમ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ કેદી જેલમાંથી ભાગી જાય છે કે ભાગવાનો પ્રયત્ન કરે છે તો એ કેદીને સજા આપવામાં આવતી નથી કેમ કે જર્મન દંડ સંહિતામાં જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતાની ઇચ્છા તેના કુદરતી સ્વભાવમાં હોય છે. કોઈ કેદી જેલમાંથી ભાગી આઝાદ થવાનો પ્રયત્ન કરે તે માનવ સહજ સ્વતંત્રતા પાછી મેળવવાનો પ્રયાસ છે.
જો ભાગેલો કેદી પકડાઈ જાય તો શું થાય છે?
હવે સવાલ અહિયાં એ પણ થાય કે જર્મનીમાં જેલમાંથી કેદી ભાગી ગયેલો કેદી ફરીવાર પકડાઈ જાય તો શું થાય? તો આ બાબતે જર્મન દંડ સંહિતામાં જણાવાયું છે કેકોઈ કેદી જેલમાંથી ભાગી જાય છે અને પકડાઈ જાય છે, તો તેને તેની સજા પૂર્ણ કરવા માટે જેલમાં પાછા મોકલવામાં આવશે. મતલબ કે જેલમાંથી ભાગી ગયેલા કેદીને બાકી રહેલી સજા પૂરી કરાવવામાં આવશે પણ ભાગવાની અલગથી સજા મળશે નહીં.
જર્મનીમાં કેદીઓ માટે કઈ સુવિધાઓ
જર્મન દંડ સંહિતામાં કેદીઓ માટે ઉદાર વર્તન રાખવામાં આવે છે જેથી તેમના માનસિક સુધારમાં ફેરફાર લાવી શકાય અને સારું જીવન જીવવા માટે પ્રેરિત કરી શકાય. જર્મનીમાં દરેક કેદીને એક અલગ ઓરડો , પલંગ, સામાન મૂકવાની જગ્યા, અરીસો, અલગ શૌચાલય અને સાબુ અને ટૂથબ્રશ જેવી મૂળભૂત વસ્તુઓ આપવામાં છે. કેટલીક જેલોમાં ટીવી, રેડિયો અને એક નાનું રેફ્રિજરેટર પણ હોય છે. જર્મનીમાં દરેક કેદીને જેલમાં ત્રણ વખત જમવાનું આપવામાં આવે છે, જેમાં શાકાહારી અને માંસાહારી ખોરાક હોય છે.