પાકિસ્તાનમાં શિક્ષણ જગત સાથે જોડાયેલી વિદ્યાર્થીઓની માંગણી વહેલી તકે સંતોષાય તે માટે યુવાઓએ બળવો પોકાર્યો છે.

પાકિસ્તાનમાં યુવાઓની આંધી

નેપાળના ઉદાહરણને અનુસરીને Gen Z હવે પાકિસ્તાનમાં શાસકો સામે બળવો પોકારી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ, ફરી એકવાર બળવાનું મોજું ઉભું થયું છે. આ વખતે, યુવા વિદ્યાર્થીઓએ કમાન સંભાળી છે. તેઓ શિક્ષણ સુધારાના આડમાં વધતી ટ્યુશન ફી અને નવી મૂલ્યાંકન પ્રણાલીનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. શરૂઆતમાં ફી વધારા સામે શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ સમયની સાથે પ્રદર્શનો વધુ ઉગ્ર બની રહ્યા છે.

મુખ્ય માંગણીઓ શું છે?

નવા શૈક્ષણિક સત્રમાં મેટ્રિક અને ઇન્ટરમીડિયેટ સ્તરે લાગુ કરાયેલી ઇ-માર્કિંગ સિસ્ટમથી વિદ્યાર્થીઓનો અસંતોષ ઉભો થયો છે. પ્રથમ વર્ષની ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓના પરિણામો છ મહિના મોડા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેનાથી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. તેઓએ અણધારી રીતે ઓછા ગુણની ફરિયાદ કરી અને ઇ-માર્કિંગ સિસ્ટમને દોષી ઠેરવી હતી. કેટલાક વિદ્યાર્થીઓ એવા વિષયોમાં પણ પાસ થયા હતા જે તેમણે લીધા ન હતા.

સરકારે ન કરી સ્પષ્ટતા

સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ મીરપુર શિક્ષણ બોર્ડે ઈ-માર્કિંગની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. પ્રદર્શનકારીઓની એક મુખ્ય માંગણી પુનઃમૂલ્યાંકન ફી માફ કરવાની છે. જે પ્રત્યેક વિષય દીઠ ₹1,500 છે. આ ફી સાતેય પેપર માટે ₹10,500 સુધી પહોંચે છે. જે ગરીબ વિદ્યાર્થીઓ પર નોંધપાત્ર બોજ ઊભો કરે છે. આ વિવાદ લાહોર જેવા પાકિસ્તાની શહેરોમાં પહોંચ્યો છે. જ્યાં ઇન્ટરમીડિયેટ વિદ્યાર્થીઓએ ગયા મહિને લાહોર પ્રેસ ક્લબની બહાર ધરણા કર્યા હતા.

PoKમાં પણ વિરોધ પ્રદર્શન તેજ

એક મહિના પહેલા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા. એક મહિના પહેલા, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. 30 માંગણીઓના મેનિફેસ્ટો સાથે શરૂ થયેલા આ સંઘર્ષમાં 12થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાની વહીવટીતંત્રે ગોળીઓ ચલાવીને તેને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આર્મી ચીફ અસીમ મુનીરની મનમાની અને ભ્રષ્ટાચાર સામે વ્યાપક બળવામાં ફેરવાઈ ગયું હતુ. 

  • Follow us on: