બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાનું ભારત આગમન ભારત–બ્રાઝિલ સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં દ્રૌપદી મુર્મુ અને PM નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ત્યારબાદ દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશોના નેતાઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ, જેમાં અનેક મહત્વપૂર્ણ MoU અને ટ્રેડ ડીલ પર ચર્ચા થઈ.


ભારત અને બ્રાઝિલ વચ્ચેના વેપાર

આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને બ્રાઝિલ વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સહયોગને નવી દિશા આપવાનો છે. હાલ બંને દેશો વચ્ચેનો વેપાર આશરે 15 અબજ ડોલર છે, જેને આવનાર વર્ષોમાં 30થી 40 અબજ ડોલર સુધી લઈ જવાની લુલાની સ્પષ્ટ ઈચ્છા છે. આ માટે તેઓ 260થી વધુ બ્રાઝિલિયન ઉદ્યોગપતિઓ સાથે ભારત આવ્યા છે, જેથી ડિફેન્સ, ફાર્મા, એરોસ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં નવા રોકાણ અને ભાગીદારી શક્ય બને.

PM મોદીએ શું કહ્યું ?

PM મોદીએ જણાવ્યું કે, લુલાના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળ ભારત–બ્રાઝિલ સંબંધો સતત મજબૂત થયા છે. બંને નેતાઓ વચ્ચે અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર મુલાકાતો થઈ ચૂકી છે, જેનાથી પરસ્પર વિશ્વાસ અને સહયોગ વધ્યો છે.

ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 અબજ ડોલરથી વધુ સુધી લઈ જવા માટે બંને દેશો પ્રતિબદ્ધ છે; તેમણે ઉમેર્યું કે ભારત–બ્રાઝિલ વેપાર માત્ર આંકડો નથી, પરંતુ પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે, જે રાષ્ટ્રપતિ સાથે આવેલા મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળથી સ્પષ્ટ થાય છે, તેમજ ભારત–મર્કોસુર વેપાર કરારના વિસ્તરણથી આર્થિક સહયોગને નવી ગતિ મળશે અને ટેકનોલોજી તથા ઇનોવેશનમાં વધતો સહયોગ બંને દેશો સાથે સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ઊર્જા સહયોગ સંબંધોની મજબૂત

PMએ જણાવ્યું કે ભારત અને બ્રાઝિલ વચ્ચે ઊર્જા સહયોગ સંબંધોની મજબૂત આધારશિલા છે; તેલ અને ગેસ ઉપરાંત હવે બંને દેશો રિન્યુએબલ એનર્જી, ઇથેનોલ મિશ્રણ અને ટકાઉ ઉડ્ડયન બળતણ જેવા ક્ષેત્રોમાં સાથે કામ કરી રહ્યા છે, તેમજ Global Biofuel Allianceમાં બ્રાઝિલની સક્રિય ભાગીદારી સુરક્ષિત ભવિષ્ય માટેની સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે; તેમણે વધુમાં કહ્યું કે બ્રાઝિલે ભારતને Coalition for Disaster Resilient Infrastructureના સહ-અધ્યક્ષપદની ઓફર કરી છે, જેના માટે તેમણે રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન આપ્યા અને જણાવ્યું કે ડિઝાસ્ટર વ્યવસ્થાપનમાં બ્રાઝિલનો અનુભવ ગઠબંધનને વધુ મજબૂત બનાવશે.

રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું કે તેમના પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી સાથે છઠ્ઠી વખત ભારત આવીને તેમને અત્યંત આનંદ થયો છે અને ભારત–બ્રાઝિલ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ ખાસ છે, કારણ કે બંને દેશો માત્ર ગ્લોબલ સાઉથની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ જ નથી, પરંતુ એક ડિજિટલ પાવર અને એક રિન્યુએબલ એનર્જી પાવરનું મિલન પણ છે; તેમણે ઉમેર્યું કે ભારત અને બ્રાઝિલ બંને વિવિધતાથી ભરેલા વિશાળ દેશો છે, સાંસ્કૃતિક ઉદ્યોગના મહત્વપૂર્ણ કેન્દ્રો છે અને શાંતિ તથા સહયોગને સતત પ્રોત્સાહન આપે છે.


 એલિમેન્ટ્સ પર થનારો સંભવિત

આ મુલાકાતમાં ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેન્ટ્સ પર થનારો સંભવિત કરાર સૌથી વધુ ચર્ચામાં છે. લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને ગ્રેફાઇટ જેવા ખનિજો ઇલેક્ટ્રિક વાહન, ગ્રીન એનર્જી અને હાઇ-ટેક ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ કરારનો ઉદ્દેશ ચીન પરની નિર્ભરતા ઘટાડીને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વૈવિધ્ય લાવવાનો છે. સંયુક્ત ખાણકામ, પ્રોસેસિંગ, રિસાઇક્લિંગ અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય કંપની KABIL બ્રાઝિલમાં રોકાણ કરી શકે છે, જ્યારે બ્રાઝિલ ભારતની ટેક્નોલોજીકલ ક્ષમતાનો લાભ લેવા ઉત્સુક છે.

AI સમિટ દરમિયાન

AI સમિટ દરમિયાન લુલાએ સ્પષ્ટ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ નોકરીઓ માટે ખતરો નથી, પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. તેમણે આ સમિટના આયોજન માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે ચર્ચા અને સંવાદ વિના સારી નીતિ શક્ય નથી.


 બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક

આ ઉપરાંત, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ આપવામાં આવ્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિક છે. આ સન્માનથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તરે ભારત અને બ્રાઝિલ ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ અવાજ તરીકે ઉભરી રહ્યા છે. એટલે લુલાની ભારત મુલાકાત માત્ર ઔપચારિક રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ ભવિષ્યના વેપાર, ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને વૈશ્વિક સહયોગ માટે મજબૂત પાયો નાખતી એક ઐતિહાસિક ઘટના સાબિત થઈ શકે છે.


  • Follow us on: