અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે રશિયા સાથે વેપાર વધારવા પર ભાર મૂક્યો છે. વિદેશમંત્રીએ રશિયન કંપનીઓને તેમના ભારતીય ભાગીદારો સાથે ઉંડો સહકાર રાખવા અપીલ કરી. તેમણે ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી પહેલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું ઉલ્લેખ કરતા કહ્યું કે, વિદેશી કંપનીઓ માટે ભારતમાં ઘણી તકો ઉપલબ્ધ છે.
આર્થિક સંબંધો મજબૂત કરવાની માંગ
જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. જ્યાં તેમણે રશિયાના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે ભારતનું જીડીપી 4 ટ્રિલિયન અમેરિકી ડોલરથી વધુ છે અને 7 ટકા વૃદ્ધિ દરે વિકસતું ભારત વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી મોટા પ્રમાણમાં સાધનોની જરૂરિયાત ધરાવે છે. જેમાં ખાતરો, રસાયણો અને મશીનરીની પૂરવઠો સુનિશ્ચિત કરી શકાય છે. ભારતમાં ઝડપથી વિકસતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે ઉત્તમ વ્યવસાયિક તકો ઊભી કરે છે. વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સૌથી સ્થિર રહ્યા પણ આર્થિક સહકારના મામલામાં પૂરતો વિકાસ થયો નથી. છેલ્લા કેટલાય વર્ષોમાં આ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. પણ સાથે જ વેપાર ઘાટો પણ વધ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના વેપારને વધુ વિવિધ બનાવવાની અને સંતુલિત બનાવવા જરૂરિયાત પર ભાર મૂક્યો.
વ્યૂહાત્મક ભાગીદારીમાં વેપાર પરંતુ રોકાણ મહત્વનું
ભારતીય વિદેશમંત્રીએ વિકાસને વેગ આપવા અને ઝડપી પ્રગતિ માટે રોકાણ, સંયુક્ત ઉદ્યોગો અને અન્ય સહકારની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ એક સ્થિર વ્યૂહાત્મક ભાગીદારીમાં મજબૂત અને ટકાઉ આર્થિક તત્વ હોવું જોઈએ.જયશંકરની રશિયા સાથે વેપાર વધારવાની આ પહેલ એવા સમયે જોવા મળી રહી છે જ્યારે અમેરિકાએ રશિયાથી ઓઇલ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. અમેરિકાના આ પગલાં બાદ ભારત અને રશિયા વચ્ચે ફરીથી ઉષ્ણતા અને સહકારના સંકેતો જોવા મળી રહ્યા છે.