ભારત અને પડોશી દેશ નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી સાથેની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો આ યોગ્ય સમય છે.


નેપાળ જૂની તણાવપૂર્ણ વાતોને ભૂલીને આગળ વધવા તૈયાર

મળતી માહિતી મુજબ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે તાજેતરમાં સરહદ વિવાદ ઉકેલવા માટે ત્રીજા દેશોની મદદ લેવાની વાત કરી હતી, જેના કારણે તણાવ વધ્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવા દ્વિપક્ષીય મુદ્દાઓ માત્ર ભારત અને નેપાળ વચ્ચે જ ઉકેલવા જોઈએ. આ વચ્ચે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલ ત્રણ દિવસના ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા હતા. બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે નેપાળ ભારત સાથેના સંબંધોને સૌથી વધુ મહત્વ આપે છે અને જૂની તણાવપૂર્ણ બાબતોને પાછળ રાખીને આગળ વધવા તૈયાર છે.

બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ સતત વધ્યો

એસ.જયશંકરે જણાવ્યું કે ભારત અને નેપાળના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સહકાર પર આધારિત છે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધતો જાય છે. તેમણે નેપાળને સ્ટાર્ટઅપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિન્યૂએબલ એનર્જી જેવા આધુનિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની પણ ઓફર આપી. સાથે જ તેમણે કહ્યું કે ભારત હંમેશા મુશ્કેલ સમયમાં પોતાના પડોશી દેશ નેપાળ સાથે ઉભું રહ્યું છે. આ બેઠકથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ભારત દ્વિપક્ષીય મુદ્દાઓને શાંતિપૂર્વક ઉકેલવા માટે તૈયાર છે, પરંતુ તેમાં કોઈ ત્રીજા દેશનો દખલ સ્વીકાર્ય નથી.

આ પણ વાંચો : Donald Trump: ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો, AI નીતિ સલાહકાર શ્રીરામ કૃષ્ણનનું રાજીનામું



  • Follow us on: