ચીનના તિયાનજિનમાં થયેલાં શાંઘાઇ સહયોગ સંગઠનનુ શિખર સમ્મેલન સમાપ્ત થઇ ગયુ છે. સમ્મેલનના ઘોષણા પત્રમાં પહેલગામ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે. સમ્મેલનમાં ઉ્દ્ઘાટન સંબોધનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના આધિપત્યવાદ કડક સંદેશ આપ્યો. તો બીજી તરફ પીએમ મોદીએ આતંકવાદ અને સંપ્રભુતાનો મુદ્દો મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા.
પીએમ મોદીનો ચીન પ્રવાસ રહ્યો સફળ
પીએમ મોદીએ ચીનનો સફળ પ્રવાસ પૂર્ણ કરી હવે દિલ્હી તરફ રવાના થયા છે. રવાના થયા તે પહેલા પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાની અપીલ પણ કરી હતી અને ભારત-રશિયા સંબંધોને વિશેષ ગણાવ્યા હતા.
પીએમ મોદીના આ ચીન પ્રવાસને ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં થોડી ગરમાવટ પાછી જોવા મળી છે અને બંને દેશો વિવાદો ઉકેલવા માટે રાજી થયા છે. આ સાથે જ એસસીઓ શિખર સંમેલનના ઘોષણા પત્રમાં પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરવી, જે ભારત માટે રાજદ્વારી જીત છે. અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીના ચીન પ્રવાસ પર આખી દુનિયાની નજર હતી.
પુતિન બોલ્યાઃ ભારત-રશિયાના સંબંધો બહુપક્ષીય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પીએમ મોદીને કહ્યું, તમને મળીને મને ખૂબ આનંદ થયો. SCO એ વૈશ્વિક દક્ષિણ અને પૂર્વ દેશોને એક મંચ પર લાવવાનું કાર્ય કર્યુ છે. 21 ડિસેમ્બર, 2025ના રોજ ભારત-રશિયા સંબંધોને વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી તરીકે વિકસાવવાના 15 વર્ષ પૂર્ણ થશે. આપણા વચ્ચે બહુપક્ષીય સંબંધો છે. આજની બેઠકથી ભારત-રશિયા સંબંધોને મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળશે તેવી આશા છે. ભારત અને રશિયા વચ્ચે ખૂબ સારા સંબંધો છે.