ગઇ કાલે 31 ઓગષ્ટ, રવિવારની મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે. પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનમાં થયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0ની હોઈ શકે છે, પરંતુ તેનાથી જાનમાલનું મોટું નુકસાન થયું છે. એએફપીના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ ભૂકંપમાં 622 લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમય મુજબ મધ્યરાત્રિએ, અફઘાનિસ્તાનના કુનાર અને નંગરહાર પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પર્વતીય પ્રદેશોના ઘણા જિલ્લાઓમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. વિશ્વમાં ઘણા સ્થળોએ વિનાશકારી ભૂકંપો ભુતકાળમાં આવેલા છે અને આ ભૂકંપથી હજારો લોકો મોતને ભેટ્યા છે અને કરોડો રુપિયાનું નુકશાન પણ થયું છે. અહીં તમને જણાવી રહ્યા છીએ કે વિશ્વમાં સૌથી વિનાશકારી ગણાતા 5 મોટા ભૂકંપ વિશે
વાલ્ડિવિયા, ચિલી
1960માં ચિલીના વાલ્ડિવિયામાં આવેલા ભૂકંપને પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 9.5 હતી. આ ભૂકંપે માત્ર ચિલીને જ નહીં પરંતુ તેના પછી આવેલા સુનામીએ હવાઈ, જાપાન અને ફિલિપાઇન્સમાં પણ વિનાશ વેર્યો હતો. તેમાં લગભગ 5700 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે લાખો લોકો બેઘર બન્યા હતા.
અલાસ્કા, અમેરિકા
1964માં અમેરિકાના અલાસ્કામાં બીજો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 9.3ની હતી અને તેનાથી ધરતી સતત ત્રણ મિનિટ સુધી ધ્રુજતી રહ્યી હતી. આ ભૂકંપથી 35 ફૂટ ઊંચા સુનામીના મોજાઓ સર્જાયા હતા, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો તબાહ થઈ ગયા હતા. આ ભૂકંપમાં 139 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
સુમાત્રા, ઇન્ડોનેશિયા
ત્રીજો ભૂકંપ 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં આવેલા ભૂકંપ છે, જેની તીવ્રતા 9.1 હતી. આ પછી, સુનામીએ ઘણા દેશોમાં પોતાનો પ્રકોપ દર્શાવ્યો હતો. આ કુદરતી આફતમાં લગભગ 2.28 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇન્ડોનેશિયામાં 1 લાખ 68 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને કુલ 2 લાખ 30 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે વિશ્વની સૌથી ખતરનાક કુદરતી આફતોમાંની એક હતી. તેણે સુમાત્રાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી.
તોહોકુ, જાપાન
2011માં જાપાનના તોહોકુમાં મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.1 હતી. આ વિનાશમાં લગભગ 19750 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ જવું પડ્યું હતું.
કામચટકા, રશિયા
1952માં રશિયાના કામચટકામાં પાંચમો ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 9.0 હતી. આ વિશ્વનો પ્રથમ 9.0ની તીવ્રતાનો ભૂકંપ હતો. ભૂકંપના કારણે સુનામી આવી હતી અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો.