અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ. રવિવાર અને સોમવાર એમ દિવસમાં કુલ 5 ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય રાત્રે 11:47 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.0 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપથી જાનમાલને ભારે નુકસાન થયું. અત્યાર સુધીમાં સામે આવેલ આંકડા મુજબ આ ઘટનામાં 600 લોકોના મોત, 1000થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.


અફઘાનિસ્તમાં ભૂકંપથી તબાહી

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગત બે દિવસમાં અફઘાનિસ્તમાં નંગરહાર પ્રાંત અને કુનાર પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વી અફઘાનિસ્તાનમાં 160 કિમીની ઊંડાઈએ 34.50 ઉત્તર અક્ષાંશ અને 70.81 પૂર્વ રેખાંશ પર હોવાનું NCSએ જણાવ્યું. અફઘાનિસ્તાનના ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે પાકિસ્તાન સહિત દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અનેક પ્રદેશ સુધી તેની અસર જોવા મળી. જોરદાર ભૂકંપમાં કુનાર પ્રાંતના ત્રણ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યા જયારે અનેક ગામોમાં પણ તબાહી જોવા મળી. અફઘાનિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ સાથે એ પણ માહિતી આપી કે આટલા શક્તિશાળી ભૂકંપ બાદ પણ અત્યાર સુધી, કોઈ પણ વિદેશી સરકારોએ બચાવ કે રાહત કાર્ય માટે મદદ પૂરી પાડવા માટે સંપર્ક કર્યો નથી.

ભૂકંપમાં રાહત અને બચાવકાર્ય

વહીવટીતંત્ર દ્વારા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવકાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધી રહી હતી જ્યારે હેલિકોપ્ટર ઘાયલોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી રહ્યા હતા. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં એક મહિનાની અંદર આ 5મી વખત જોરદાર ભૂકંપથી ધરતી ધ્રુજી. અફઘાનિસ્તાન ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાનું નિષ્ણાતો કહે છે. રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં 5 ભૂકંપના આંચકાથી અફઘાનિસ્તાનના લોકો ફરી એક વખત ઘાતક કુદરતી હોનારતનો ભોગ બન્યા.

  • Follow us on: