અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ભાવિ પેઢીને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એક ક્રાંતિકારી યોજનાની જાહેરાત કરી છે, જેનું નામ છે 'ટ્રમ્પ એકાઉન્ટ' (Trump Account). આ યોજના હેઠળ અમેરિકામાં જન્મ લેતા દરેક બાળક માટે સરકાર પોતે રોકાણની શરૂઆત કરશે. પરંતુ શું ત્યાં નોકરી કરતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય કામદારોના બાળકો આમાં સામેલ થશે? ચાલો સમજીએ આ યોજનાના ગણિત અને નિયમોને.
શું છે આ 'ટ્રમ્પ ખાતું'?
ટ્રમ્પ પ્રશાસનનો ઉદ્દેશ્ય છે કે અમેરિકન બાળક જ્યારે મોટું થાય ત્યારે તેના માથે દેવું નહીં પણ હાથમાં સંપત્તિ હોય. આ માટે સરકાર દરેક નવજાત બાળકના નામે એક ટેક્સ-ફ્રી ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ખોલશે અને તેમાં શરૂઆતમાં જ $1,000 (આશરે ₹83,000 થી વધુ) જમા કરાવશે. આ રકમ શેરબજાર આધારિત સુરક્ષિત ફંડ્સમાં રોકવામાં આવશે, જે કમ્પાઉન્ડિંગના પ્રતાપે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધીમાં મોટી રકમ બની જશે.
ભારતીય માતા-પિતા માટે પાત્રતાના નિયમો
ઘણા ભારતીયો H-1B કે L-1 વિઝા પર અમેરિકામાં કાર્યરત છે. જો આવા દંપત્તિને ત્યાં બાળક જન્મે, તો તેને 'બર્થરાઈટ સિટીઝનશિપ' હેઠળ આપોઆપ અમેરિકન નાગરિકતા મળે છે.
યોજનાની શરતો મુજબ: બાળકનો જન્મ 1 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2028 વચ્ચે થયેલો હોવો જોઈએ.
બાળક પાસે માન્ય સોશિયલ સિક્યોરિટી નંબર (SSN) હોવો જોઈએ.
જન્મ સમયે બાળક અમેરિકન નાગરિક હોવું જોઈએ. તેથી, જો ભારતીય માતા-પિતાનું બાળક અમેરિકામાં જન્મે છે અને ઉપરની શરતો પૂરી કરે છે, તો તેને ચોક્કસપણે આ $1,000નો લાભ મળશે.
રોકાણ અને મર્યાદા
માત્ર સરકારના $1,000 જ નહીં, પરંતુ માતા-પિતા પણ આ ખાતામાં દર વર્ષે $5,000 સુધીનું વધારાનું યોગદાન આપી શકશે. સૌથી મોટો ફાયદો એ છે કે આ ખાતા પર મળતું વ્યાજ કે નફો સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી રહેશે. આ રકમ 18 વર્ષ સુધી 'લોક' રહેશે, જેનો ઉપયોગ બાળક ઉચ્ચ શિક્ષણ, ઘર ખરીદવા કે નવો બિઝનેસ શરૂ કરવા માટે કરી શકશે.
કોણ બાકાત રહેશે?
આ યોજનાનો લાભ એવા બાળકોને નહીં મળે જેઓ અમેરિકામાં જન્મેલા નથી અથવા જેમની પાસે નાગરિકતાના દસ્તાવેજો નથી. જે માતા-પિતા નિર્ધારિત સમય મર્યાદામાં ખાતું સક્રિય (Activate) નથી કરતા, તેઓ પણ આ સુવિધા ગુમાવી શકે છે. ટૂંકમાં, અમેરિકામાં સ્થાયી થયેલા કે નોકરી કરતા ભારતીયો માટે આ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર તરફથી મળેલી એક મોટી આર્થિક ભેટ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ મેં તારા પતિને તારી સુંદરતાને કારણે નોકરી પર રાખ્યા...' Donald Trumpનું અમેરિકાના ગૃહ સચિવ સાથે ફ્લર્ટ