2025માં દુનિયાભરના 81 દેશોમાંથી 24,600 થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. તેમાં સૌથી વધુ સંખ્યા સાઉદી અરબની રહી, જ્યાંથી 11,000થી વધુ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા. જોકે અમેરિકા દ્વારા માત્ર 3,800 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, છતાં છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યા સૌથી વધુ હતી.
મળતી માહિતી પ્રમાણે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ડિપોર્ટેશનના મામલે સાઉદી અરબ પ્રથમ સ્થાને છે, જ્યારે વધતી કડકાઈને કારણે અમેરિકા બીજા સ્થાને રહ્યું. આ વર્ષે સાઉદી અરબ અને અમેરિકા બંનેમાં ડિપોર્ટેશનની વધતી સંખ્યાએ ભારતીયો માટે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું આ માત્ર નિયમોની કડક અમલવારી છે કે પછી કોઈ મોટા પેટર્નનો ભાગ છે?
સાઉદી અરબમાં ડિપોર્ટેશનની સંખ્યા કેમ વધી?
સાઉદી અરબમાં મોટા ભાગના ડિપોર્ટેશનનું કારણ વિઝા ઓવરસ્ટે, માન્ય પરમિટ વિના કામ કરવું અને શ્રમ કાયદાનો ભંગ કરવો હોવાનું જણાવાયું છે. ઘણા ભારતીય મજૂરો એજન્ટોના માધ્યમથી સાઉદી અરબ જાય છે અને ઓછી કુશળતા હોવાને કારણે સ્થાનિક નિયમોની પૂરતી જાણકારી ન હોવાને લીધે કાયદા ભંગની સ્થિતિમાં ફસાઈ જાય છે. તેલંગાણા સરકારની NRI સલાહકાર સમિતિના ઉપાધ્યક્ષ ભીમા રેડ્ડી જણાવે છે કે ખાડી દેશોમાં આ એક સામાન્ય પેટર્ન છે, જ્યાં રોજગાર માટે મોટી સંખ્યામાં ભારતીયો જાય છે.
ઘણી વખત વધુ કમાણીની લાલચમાં લોકો નાના-મોટા ગુનાઓમાં પણ ફસાઈ જાય છે. સાઉદી અરબમાં 11,000થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે અન્ય ખાડી દેશોમાં પણ આ સંખ્યા નોંધપાત્ર છે. મ્યાનમારમાં 1,591, યુએઈમાં 1,469, મલેશિયામાં 1,485, બહરેનમાં 764 અને થાઈલેન્ડમાં 481 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા.
અમેરિકામાં ડિપોર્ટેશનમાં વધારો કેમ થયો?
અમેરિકાએ 2025માં લગભગ 3,800 ભારતીયોને ડિપોર્ટ કર્યા, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. તેના પાછળ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન વિઝા સ્ટેટસ, વર્ક ઓથરાઇઝેશન અને ઓવરસ્ટે અંગે કરવામાં આવેલી કડક તપાસને કારણ માનવામાં આવે છે.
અમેરિકા પરથી સૌથી વધુ ડિપોર્ટેશન વોશિંગ્ટન, ડી.સી. 3414 અને હ્યુસ્ટન 234 કેસ માંથી થયા. શું આ માત્ર નિયમોની કડકાઈ છે કે કોઈ નવી નીતિની અસર છે? આ પ્રશ્ન દરેક ભારતીય પ્રવાસીના મનમાં ઊભો થયો છે.
આ પણ વાંચોઃ Russia : શાંતિ વાર્તાને નકારી તો પછી યુક્રેનને....,ટ્રમ્પ ઝેલેન્સ્કી મુલાકાત પહેલા પુતિનની ચેતવણી