ચીને મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેકનોલોજીમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT)ના વૈજ્ઞાનિકોએ 1 ટન વજનના પરીક્ષણ વાહનને માત્ર 2 સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવ્યું. આ પરીક્ષણ 400 મીટર લાંબા ટ્રેક પર કરવામાં આવ્યું હતું અને વાહનને સુરક્ષિત રીતે રોકવામાં પણ સફળતા મળી હતી.


CCTVમાં બતાવવામાં આવ્યું

સરકારી CCTV દ્વારા બતાવવામાં આવેલા વિડિયોમાં આ પરીક્ષણ વાહન માત્ર એક ચેસિસ જેવું દેખાય છે, જે ટ્રેક પર વીજળી જેવી ઝડપે આગળ વધે છે અને પાછળ ધુમાડો છોડી જાય છે. આ સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમને વિશ્વની સૌથી ઝડપી પ્રવેગક અને ગતિ ધરાવતી ગ્રાઉન્ડ-બેઝ્ડ સિસ્ટમ માનવામાં આવી રહી છે. પરીક્ષણ દરમિયાન એક્સ્ટ્રીમ બ્રેકિંગ સિસ્ટમ પણ સફળ સાબિત થઈ હતી, જે સલામતીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

અદ્યતન ટેકનોલોજીકલ સાથે સફળ

આ સિદ્ધિ પાછળ ઘણી અદ્યતન ટેકનોલોજીકલ સફળતાઓ જવાબદાર છે. તેમાં અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શન, ઇલેક્ટ્રિક સસ્પેન્શન અને માર્ગદર્શન સિસ્ટમ, ઉચ્ચ ક્ષમતા ધરાવતું ઊર્જા સંગ્રહ, તેમજ હાઇ-ફિલ્ડ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટનો સમાવેશ થાય છે. પ્રોફેસર લી જીએ જણાવ્યું હતું કે આ સફળતા ચીનમાં અલ્ટ્રા-હાઈ-સ્પીડ મેગ્લેવ પરિવહનના વિકાસને નવી ગતિ આપશે.

મેગ્લેવ ટ્રેન શું છે?

મેગ્લેવ ટ્રેન એટલે મેગ્નેટિક લેવિટેશન ટ્રેન. આ ટ્રેનો સામાન્ય પૈડાં પર નથી ચાલતી, પરંતુ શક્તિશાળી ચુંબકીય બળના કારણે ટ્રેકથી થોડા સેન્ટિમીટર ઉપર હવામાં તરતી રહે છે. ટ્રેન અને ટ્રેકમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રોમેગ્નેટ એકબીજાને પ્રતિકાર અને આકર્ષણ આપે છે, જેના કારણે ટ્રેન ઊંચી રહે છે અને આગળ ધકેલાય છે. ઘર્ષણ લગભગ શૂન્ય હોવાથી ખૂબ જ ઊંચી ઝડપ શક્ય બને છે.


આ ટેક્નોલોજીના અનેક ફાયદા

આ ટેકનોલોજીના અનેક ફાયદા છે. મેગ્લેવ ટ્રેનો 400થી 600 કિમી/કલાક અથવા તેનાથી વધુ ઝડપે દોડી શકે છે, અવાજ અને કંપન ઓછું હોય છે, જાળવણી ખર્ચ ઘટે છે અને વીજળી પર ચાલતી હોવાથી પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં વેક્યુમ ટ્યુબ આધારિત હાઇપરલૂપ પરિવહન માટે માર્ગ ખુલ્લો કરી શકે છે, જેમાં 1000 કિમી/કલાક સુધીની ઝડપ શક્ય છે.

30 વર્ષ પહેલા આ યુનિવર્સિટીએ દેશની પહેલી માનવસહિત મેગ્લેવ બનાવી

ચીનનો મેગ્લેવ ઇતિહાસ પણ નોંધપાત્ર રહ્યો છે. લગભગ 30 વર્ષ પહેલા આ યુનિવર્સિટીએ દેશની પહેલી માનવસહિત મેગ્લેવ બનાવી હતી. જાન્યુઆરી 2025માં 648 કિમી/કલાકનો રેકોર્ડ નોંધાયો હતો. શાંઘાઈ મેગ્લેવ આજે પણ વિશ્વની એકમાત્ર વ્યાવસાયિક મેગ્લેવ સેવા છે, જે 430 કિમી/કલાકની ઝડપે ચાલે છે. દાતોંગમાં 2 કિમી લાંબી વેક્યુમ ટ્યુબ લાઇન પર 1000 કિમી/કલાકના લક્ષ્ય સાથે પરીક્ષણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : World : 101 લોકોના મોત બાદ થાઇલેન્ડ–કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા



  • Follow us on: