ચીનના દક્ષિણપશ્ચિમ યુનાન પ્રાંતના લિંકાંગ ગામમાં લાગુ કરાયેલા કેટલાક વિચિત્ર નિયમો હાલ ઓનલાઈન વિવાદનું કેન્દ્ર બન્યા છે. ગામમાં “ગામના નિયમો: બધા સમાન છે” શીર્ષક હેઠળ લગાવવામાં આવેલી એક નોટિસમાં લગ્ન, ગર્ભાવસ્થા અને વ્યક્તિગત જીવન સંબંધિત કડક દંડની જોગવાઈઓ દર્શાવવામાં આવી હતી. નોટિસ વાયરલ થતાં જ તેને અમાનવીય અને આધુનિક સમાજને ન સાંકળતી ગણાવીને ભારે ટીકા થઈ.
લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારા યુગલોને દર વર્ષે 500 યુઆનનો દંડ
એક અહેવાલ મુજબ, આ નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ યુનાન પ્રાંતની બહાર લગ્ન કરે તો તેને 1,500 યુઆન (લગભગ 18 હજાર રૂપિયા)નો દંડ ભરવો પડશે. લગ્ન પહેલાં ગર્ભવતી થનારી મહિલાઓ પર 3,000 યુઆનનો દંડ લાગુ કરવામાં આવશે, જ્યારે લગ્ન વિના સાથે રહેતા, એટલે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારા યુગલોને દર વર્ષે 500 યુઆનનો દંડ ચૂકવવો પડશે.
10 મહિનાની અંદર બાળક જન્મે, તો
નોટિસમાં વધુમાં ઉલ્લેખ હતો કે જો કોઈ દંપતીના લગ્નના 10 મહિનાની અંદર બાળક જન્મે, તો તેને પણ “નિયમ ભંગ” ગણવામાં આવશે અને માતાપિતાને 3,000 યુઆનનો દંડ ફટકારવામાં આવશે. આ જોગવાઈએ ખાસ કરીને લોકોમાં રોષ ફેલાવ્યો, કારણ કે તે પ્રાઇવેટ જીવનમાં સીધી અસર કરે છે.
ઝધડા થાય તો પણ દંડ
આ સિવાય, ગામમાં ઝઘડો થાય અને તેને ઉકેલવા માટે ગામના અધિકારીઓને બોલાવવા પડે, તો બંને પક્ષોએ 500-500 યુઆન ચૂકવવાના રહેશે. નશાની હાલતમાં ગામમાં અવ્યવસ્થા ફેલાવનાર વ્યક્તિઓ પર 3,000 થી 5,000 યુઆન સુધીનો ભારે દંડ નક્કી કરવામાં આવ્યો હતો. આ નિયમો સામે સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો. ઘણા યુઝર્સે કહ્યું કે આવા નિયમો માનવ અધિકારોના વિરોધમાં છે અને વ્યક્તિગત સ્વતંત્રતાને કચડી નાખે છે. કેટલાક લોકોએ તો આ નિયમોને “લોકોને ગુનેગાર બનાવી દેવા જેવી વ્યવસ્થા” ગણાવી.
અધિકારીની સ્પષ્ટા
જો કે, આ વિવાદ વધ્યા બાદ મેંગડિંગ ટાઉન સરકારના એક અધિકારીએ 16 ડિસેમ્બરે જણાવ્યું હતું કે આ નોટિસ “અયોગ્ય” હતી અને હવે તેને દૂર કરી દેવામાં આવી છે. જોકે ગામની વસ્તી કેટલી છે અને આર્થિક સ્થિતિ કેવી છે તેની સ્પષ્ટ માહિતી હજુ સામે આવી નથી. તેમ છતાં, આ ઘટનાએ ચીનમાં ગામ સ્તરે લાગુ થતા સામાજિક નિયંત્રણો અંગે નવી ચર્ચા ઉભી કરી છે.
આ પણ વાંચો : World : ન્યુઝીલેન્ડના PMએ પોતાના જ વિદેશ મંત્રીનો વિરોધ, ભારત સાથેનો FTA ગણાવ્યો ઐતિહાસિક કરાર