અમેરિકા અને ઈઝરાયેલ સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ બાદ ઈરાને મહત્વપૂર્ણ નિર્ણય લઈ કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરી છે. રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખામેનેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી શનિવારે બે મહિના બાદ પહેલીવાર નિયમિત ઉડાનો શરૂ થઈ. આ પગલું યુદ્ધ બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
અમેરિકા સાથે સીઝફાયર અમલમાં
મળતી માહિતી મુજબ તેહરાનથી પહેલી ફ્લાઈટ્સ તુર્કીના ઈસ્તાંબુલ, ઓમાનના મસ્કત અને સાઉદી અરબના મદીના માટે રવાના થઈ હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે તાજેતરમાં અમેરિકા સાથે સીઝફાયર અમલમાં આવ્યો છે. સીઝફાયર બાદ ઈરાને ધીમે ધીમે પોતાનું એર સ્પેસ ખોલવાનું શરૂ કર્યું હતું અને હવે કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ થવાથી સ્થિરતાની દિશામાં આગળ વધવાની આશા વ્યક્ત થઈ રહી છે.













