ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. એક તરફ હોર્મુઝ સ્ટ્રેટ પર આર્થિક અને લશ્કરી નાકાબંધી છે, તો બીજી તરફ ઈરાને પોતાની ઘાતક બેલિસ્ટિક મિસાઈલોનું પ્રદર્શન કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. મંગળવારે રાત્રે તેહરાનમાં યોજાયેલી વિશાળ રેલીઓમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ આધુનિક હથિયારો સાથે કૂચ કરી હતી.
બેલિસ્ટિક મિસાઈલોનું શક્તિ પ્રદર્શન
ઈરાની રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ, આ રેલીમાં સૌથી મોટું આકર્ષણ 'ખોરમશહર-4' અને 'કાદર' બેલિસ્ટિક મિસાઈલો હતી. 'ખોરમશહર-4' મિસાઈલ અત્યંત ખતરનાક ગણાય છે કારણ કે તે ક્લસ્ટર બોમ્બ વોરહેડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે, જે એકસાથે અનેક લશ્કરી અને ઉર્જા મથકોનો નાશ કરી શકે છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે તેહરાનની જનતા અને સૈનિકો હથિયારો સાથે આ મિસાઈલો પર સવાર થઈને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ મિસાઈલો અગાઉ ઈઝરાયલ પરના હુમલામાં પણ વપરાઈ ચૂકી છે, જે ઈરાનની આક્રમક વ્યૂહરચનાનો પુરાવો છે.
ટ્રમ્પનો યુદ્ધવિરામ અંગેનો નિર્ણય
બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે યુદ્ધવિરામની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે. અગાઉ કડક વલણ અપનાવ્યા બાદ, ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની મધ્યસ્થી અને વિનંતીને પગલે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જોકે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખીને તેલ વેચવાનો પ્રયાસ કરશે અને શરતોનું પાલન નહીં કરે, તો અમેરિકા તેના નેતાઓ સહિત સમગ્ર દેશનો નાશ કરતા અચકાશે નહીં.
યુએન અને વૈશ્વિક પ્રતિક્રિયા
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકાના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે તેને "ડી-સ્કેલેશન (તણાવ ઘટાડવા) તરફનું મહત્વપૂર્ણ પગલું" ગણાવ્યું છે. યુએનના મતે, આ યુદ્ધવિરામ રાજદ્વારી વાટાઘાટો અને વિશ્વાસ નિર્માણ માટે એક સુવર્ણ તક પૂરી પાડી શકે છે.
આ પણ વાંચોઃ Nepal બાલેન સરકાર વિરુદ્ધ પ્રદર્શન, 100 રૂપિયાની નોટ પર મચ્યો હોબાળો!