પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઈરાને દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ઈરાની સંસદે હોર્મુઝ પર કંટ્રોલ મેળવવા માટે 12 મુદ્દાઓનો એક ડ્રાફ્ટ બિલ તૈયાર કર્યો છે. આ બિલ પસાર થયા પછી, ઈરાન કાયદેસર રીતે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર પોતાની શરતો લાદી શકશે.


ઇઝરાયેલ અને મિત્ર દેશો પર પ્રતિબંધ

નવા ડ્રાફ્ટ મુજબ, ઇઝરાયેલ અને તેના નજીકના દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં. જે દેશોએ યુદ્ધમાં અમેરિકાને સાથ આપ્યો છે અથવા ઈરાનને નુકસાન પહોંચાડ્યું છે, તેમના માટે રસ્તો બંધ રહેશે. ઇઝરાયેલના મિત્ર દેશો જેવા કે ગ્રીસ, યુએઈ અને સોમાલીલેન્ડના જહાજોએ પસાર થવા માટે ઈરાનની સર્વોચ્ચ કાઉન્સિલની પરવાનગી લેવી પડશે.

નિયમ તોડ્યો તો 20% માલ જપ્ત થશે

ઈરાનના આ પ્રસ્તાવમાં સૌથી કડક જોગવાઈ દંડની છે. જો કોઈ જહાજ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને તરત જ જપ્ત કરીને ઈરાની બંદર પર લાવવામાં આવશે. ત્યાં ટોલ પેટે જહાજમાં રહેલા કુલ માલના 20 ટકા હિસ્સો ઉતારી લેવામાં આવશે. ત્યારબાદ જ જહાજને આગળ જવાની મંજૂરી મળશે. આ સિવાય, પસાર થતા જહાજોએ ઈરાની રિયાલમાં ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

ભારત અને ચીન માટે રાહત

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે જે દેશોને તેના 'મિત્ર' માને છે, તેમની પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં. આ યાદીમાં ભારત અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે. વળી, ઓમાનની સરહદ નજીકથી પસાર થતા જહાજોને પણ છૂટ અપાઈ છે, પરંતુ ત્યાં પાણી ઓછું હોવાથી મોટા જહાજો માટે તે રસ્તો જોખમી છે. ઈરાની સાંસદ મોહમ્મદ રઝા રેઝાયી કૂચીના જણાવ્યા અનુસાર, જે દેશો 'પર્શિયન ગલ્ફ'નું નામ યોગ્ય રીતે નથી લખતા, તેમને ઈરાન પોતાના દુશ્મન માને છે.

આ પણ વાંચો: Donald Trumpનો યુ-ટર્ન,ઈરાનના લીડર મુજતબાને એક સમયે 'બદમાશ' કહેતા હતા,હવે કેમ કર્યા ભારોભાર વખાણ?

  • Follow us on: