વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પ્રત્યેના વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જે મુજતબા ખામેનેઈને ટ્રમ્પ એક સમયે 'બદમાશ' ગણાવતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, હવે અચાનક તેમના વખાણ કરી રહ્યા છે. મંગળવારે એક ટીવી ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબાને 'સમજદાર અને તર્કસંગત' નેતા ગણાવ્યા છે.
શા માટે ટ્રમ્પે લીધો યુ-ટર્ન?
ટ્રમ્પ હાલમાં ઈરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમાં તેમને ધારી સફળતા મળી રહી નથી. ખાસ કરીને ઈરાની સરકારમાં 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ' (IRGC) ના વધતા હસ્તક્ષેપને કારણે મંગળવારે યોજાનારી મહત્વની બેઠક રદ થઈ ગઈ હતી. હવે ટ્રમ્પને આશા છે કે જો મુજતબા ખામેનેઈ હસ્તક્ષેપ કરે તો જ સમજૂતી શક્ય છે. ટ્રમ્પના મતે મુજતબા તેમના પિતા અયાતુલ્લા અલી ખામેનેઈ કરતા ઓછા કટ્ટર છે.













