અમેરિકાએ પડોશી દેશ વેનેઝુએલા અને તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર સૈન્ય દબાણ વધારવા માટે આ યુદ્ધપોત તૈનાત કર્યું છે. મિસાઇલ વિનાશક યુએસએસ ગ્રેવલીને કેરિબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગો મોકલવામાં આવ્યો છે. તે પહેલાં અમેરિકા વિમાનવાહક યુદ્ધપોત ‘યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ’ પણ મોકલી ચૂક્યું છે, જે હાલ વેનેઝુએલા તરફ આગળ વધી રહ્યું છે. માદુરોએ આ પગલાની ટીકા કરતાં જણાવ્યું કે આ તેમના દેશ સામે નવું યુદ્ધ શરૂ કરવાનો અમેરિકાનો પ્રયાસ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પુરાવો રજૂ કર્યા વગર માદુરો પર સંગઠિત અપરાધિક ગેંગ ‘ટ્રેન દ અરાગુઆ’ નો નેતા હોવાનો આરોપ લગાવ્યો છે.


ત્રિનિદાદ અને ટોબોગોના પીએમે શું કહ્યુ ?

ત્રિનિદાદ અને ટોબેગોના સરકારી અધિકારીઓ અને અમેરિકાએ જણાવ્યું કે આ વિશાળ યુદ્ધ જહાજ ગુરુવાર સુધી ત્યાં રહેશે, જેથી બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થઈ શકે. ત્રિનિદાદ અને ટોબેગોના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે યુદ્ધ જહાજ મોકલવાનો નિર્ણય તાજેતરમાં જ લેવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસરને વેનેઝુએલાના જળ વિસ્તારમાં અમેરિકાની સૈન્ય હાજરી અને શંકાસ્પદ માદક પદાર્થોની તસ્કરી કરતી નૌકાઓ પર ઘાતક હુમલાનો મજબૂત સમર્થક માનવામાં આવે છે.

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ટકરાવ કેમ છે?

કેરિબિયન સમુદ્રમાં અમેરિકી સેના ની તૈનાતીને અત્યાર સુધીનો સૌથી મોટો એન્ટી-નાર્કોટિક્સ એટલે કે નશીલા પદાર્થ વિરોધી મિશન ગણવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ સરકારે નિકોલસ માદુરોની આગેવાની હેઠળની વેનેઝુએલાની સરકાર પર નશીલા પદાર્થોના તસ્કરોને આશરો આપવાનો આરોપ લગાવ્યો છે. બંને દેશો વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે ડ્રગ તસ્કરીનું કેન્દ્ર ગણાવીને ટ્રમ્પ સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ વેનેઝુએલાને “નાર્કો-ટેરર કાર્ટેલ” જાહેર કર્યું. અમેરિકા એ ‘ટ્રેન દ અરાગુઆ’ ગેંગને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે પણ જાહેર કર્યુ છે.


  • Follow us on: