સોમવારે નેપાળની રાજધાનીમાં જે બન્યું તેણે અત્યાર સુધીના નેપાળના ઇતિહાસને હચમચાવીને રાખી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાકે ફેસબુક, X અને યુટ્યુબ પર સરકારના પ્રતિબંધ સામે જનતાનો આક્રોશ એ હદે સામે આવ્યો કે યુવાનો સંસદના બેરિકેડ તોડીને સંસદના અંદર ઘૂસી ગયા.
સરકારના પ્રતિબંધ સામે ગુસ્સો ફૂટ્યો
નેપાળ સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો એ ત્યાંની જનતા માટે ખરા અર્થમાં તેમના મૌલિક અધિકાર અને સ્વતંત્રતા પર સરકારનો આકરો પ્રહાર હોય એવું લાગ્યા બાદ નેપાળની સરકાર સામે લોકોનો ગુસ્સો દાવાનળ બનીને ફૂટી નીકળ્યો, કેમકે કોઈ સરકાર એવું વિચારે કે તે દરેક મૂળભૂત અધિકાર પર પ્રતિબંધ લાદશે, તો તે અશક્ય છે અને નેપાળ સરકારે આ ભૂલ કરી અને તેનું પરિણામ દેશ અને દેશની સરકારે ભોગવવું પડ્યું. આખી રાજધાનીમાં અરાજકતા સર્જાઇ, રસ્તાઓ જામ થઈ ગયા અને જાહેર પરિવહન ઠપ્પ થઈ ગયું.
સોશિયલ મીડિયાથી લાગી ચિનગારી
રાજકીય વિવેચકોનું માનવું છે કે નેપાળમાં હાલ જે કઇ પણ થઈ રહ્યું છે એ પાછળ બહારની શક્તિઓ જવાબદાર છે, ખાસ કરીને નેપાળમાં ફાટી નીકળેલા આ દાવાનળ પાછળ સોશિયલ મીડિયા સૌથી આગળ છે. નિષ્ણાતોનું માનવું છે કે ફેસબુક, એક્સ અને યુટ્યુબ જેવી અમેરિકન કંપનીઓ નેપાળની અશાંતિ માટે જવાબદાર છે. આ અમેરિકન કંપનીઓ પાસેથી નેપાળને કોઈ નિશ્ચિત આવક નથી મળતી અને આવા પ્લેટફોર્મ ત્યાંની સરકારને અસ્થિર કરવાના પ્રયાસ પણ કરે છે આજ કારણથી નેપાળ સરકારે આ પ્રતિબંધ લાદ્યો છે એવું માંની શકાય છે.
જનતાના વિશ્વાસ સાથે રમત
નેપાળ સરકારના રાજકીય બાબતોના એક નિષ્ણાતના મત મુજબ આ આગ લાગવા પાછળ META જેવી કંપનીઓ જવાબદાર છે. તેમના મત મુજબ સોશિયલ મીડિયાની સામગ્રીને નિયંત્રિત કરવા માટે જે તે કંપનીઓ તરફથી સરકાર સાથે એક કરાર કરવામાં આવે છે જે થી સોશિયલ મીડિયાની સામગ્રીને નિયંત્રિત કરી શકાય પરંતુ META જેવી કંપનીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા ન હતા. હાલમાં ભારતના IT એક્ટ 2011 જેવો કોઈ કાયદો નેપાળમાં નથી જેનું પરિણામ આજે જે આવ્યું એ સમગ્ર વિશ્વએ જોયું.