આજકાલ સોશિયલ મીડિયા પર અનેક એવા દાવા વાયરલ થતા જોવા મળે છે, જેના પર સરળતાથી વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર એક એવો જ દાવો ભારે ચર્ચામાં છે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં યુવતીઓને લગ્ન કરવા માટે યુવકો જ નથી મળી રહ્યા, જેના કારણે તેઓ વિદેશી પુરુષો સાથે લગ્ન કરવા મજબૂર બની છે. સોશિયલ મીડિયાના આ દાવાઓમાં યુરોપના સુંદર દેશ લિથુઆનિયા (Lithuania) નો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તો ચાલો સમજીએ કે આ વાયરલ દાવા પાછળનું અસલ સત્ય શું છે.


શું લિથુઆનિયામાં પુરુષોની અછત છે?

યુરોપના બાલ્ટિક ક્ષેત્રમાં આવેલો લિથુઆનિયા ચોક્કસપણે એવા દેશોમાં સામેલ છે જ્યાં પુરુષો કરતાં મહિલાઓની વસ્તી થોડી વધારે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશની કુલ વસ્તીમાં મહિલાઓનો હિસ્સો અંદાજે ૫૩ ટકા છે, જ્યારે પુરુષો ૪૭ ટકા છે. એટલે કે દર ૧૦૦ લોકોએ ૫૩ મહિલાઓ અને ૪૭ પુરુષો છે. જોકે, આ તફાવત એટલો મોટો નથી કે દેશમાં લગ્ન માટે પુરુષોની ભારે અછત સર્જાઈ હોય.

મહિલાઓની સંખ્યા વધુ હોવાનું સાચું કારણ શું છે?

નિષ્ણાતોના મતે મહિલાઓની વસ્તી વધુ હોવાનું મુખ્ય કારણ તેમની લાંબી જીવન પ્રત્યાશા (Life Expectancy) છે. લિથુઆનિયામાં મહિલાઓ સરેરાશ પુરુષો કરતાં ૯ વર્ષ વધુ જીવે છે. પુરુષોમાં ધૂમ્રપાન, દારૂનું વધુ સેવન, ખરાબ ખાનપાન અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ વહેલું થાય છે. આ જ કારણે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બે-તૃતીયાંશ વસ્તી મહિલાઓની છે. આ ઉપરાંત, યુક્રેન યુદ્ધ બાદ મોટી સંખ્યામાં મહિલા અને બાળ શરણાર્થીઓ લિથુઆનિયા આવ્યા હોવાથી પણ આ રેશિયો થોડો વધ્યો છે.

શું ખરેખર જીવનસાથી મળવો મુશ્કેલ છે?

સોશિયલ મીડિયા પર જેવી પરિસ્થિતિ બતાવવામાં આવે છે, હકીકત એટલી ગંભીર નથી. લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા જેવા દેશોમાં વસ્તી ઘટાડો, યુવાનોનું બીજા દેશોમાં પલાયન અને ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર જેવા સામાજિક બદલાવોને કારણે કેટલાક લોકોને પોતાની પસંદગીનો પાર્ટનર શોધવામાં મુશ્કેલી પડી શકે છે. ગ્લોબલાઇઝેશન અને ઇન્ટરનેટના કારણે પણ યુવતીઓ અભ્યાસ કે નોકરી અર્થે વિદેશીઓ સાથે સંબંધો બાંધી રહી છે. તેથી, આને લગ્ન વ્યવસ્થાની કટોકટી કહેવી તદ્દન ખોટું છે.

આ પણ વાંચો:World News: નેતન્યાહુ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો રોષ, તો ઈરાનના અયાતુલ્લાની કરી ભરપુર પ્રશંસા, જાણો કેમ આવ્યુ પરિવર્તન?

  • Follow us on: