નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાગ્યા પછી દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા છે. કાઠમંડૂમાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ સરકારના આ પગલાના વિરોધમાં પ્રદર્શન કર્યું. શરૂઆતમાં આ પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, પરંતુ બાદમાં હિંસક બન્યું. પ્રદર્શનકારીઓનો દાવો છે કે કેટલાક બાહ્ય તત્વોએ તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનને હિંસક બનાવી દીધું.


અમને અમારો અધિકાર જોઇએ

પ્રદર્શનકારીઓની માંગ છે કે સોશિયલ મીડિયા પર લાગેલા પ્રતિબંધને દૂર કરવામાં આવે, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં આવે અને યુવાનોને નેતૃત્વમાં વધુ ભૂમિકા આપવામાં આવે. પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના શેલ અને પાણીના તોપનો ઉપયોગ કર્યો, તેમજ કફર્યુ પણ લાગુ કરવામાં આવ્યો. ત્યાં પ્રદર્શન કરતા એક વ્યક્તિએ કહ્યુ કે અમારી તાકાત જોઇ રહ્યા છો તમે, અમે ટેક્સ આપીએ છીએ, અમને અમારો અધિકાર જોઇએ, સોશિયલ મીડિયા બેન નહીં કરવા દઇએ. કાઠમંડુના વધુ એક પ્રદર્શનકારીએ કહ્યું"પોલીસ લોકો પર ગોળીબાર કરી રહી છે, ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોને દબાવવામાં આવી રહ્યા છે,"

અમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

પ્રદર્શન કરનાર એક વ્યક્તિનું કહેવુ છે કે "અમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ જેમ જેમ અમે આગળ વધ્યા, તેમ તેમ પોલીસ દ્વારા હિંસા જોવા મળી. પોલીસ લોકો પર ગોળીબાર કરી રહી છે, જે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. જે લોકો સત્તામાં બેઠા છે તેઓ આપણા પર પોતાની શક્તિ લાદી શકતા નથી. ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોને દબાવવામાં આવી રહ્યા છે, જે વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારની વિરુદ્ધ છે. પોલીસ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરી રહી છે..."

પોલીસ આડેધડ ગોળીઓ ચલાવી રહી છે

એક પ્રદર્શનકારી કહે છે, "થોડા સમય પહેલા, પોલીસે ગોળીઓ ચલાવી હતી જે મને વાગી ન હતી, પરંતુ મારી પાછળ ઉભેલા મારા મિત્રને વાગી હતી. તેના હાથમાં ગોળી વાગી હતી. મારો મિત્ર, જે રસ્તા પર ઉભો હતો, તેના માથામાં ગોળી વાગી હતી. પોલીસ લોકોને નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કરી રહી છે. શું તેમને આ કરવાની છૂટ છે?..."

હજારો યુવાઓ રસ્તા પર સરકાર વિરુદ્ધ કરી રહ્યા છે નારેબાજી

આ પ્રદર્શનમાં હજારો યુવાઓ રસ્તા પર સરકાર વિરુદ્ધ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. નેપાળ સરાકાર દ્વારા ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને યુટ્યુબ જેવી 26 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાથી નારાજ યુવાનોએ 8 સપ્ટેમ્બર Gen-Z રિવોલ્યુશનના નામથી પ્રદર્શન શરૂ કર્યુ છે.આપને જણાવી દઇએ કે કેપી ઓલી સરકારે 4 સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને ટ્વીટર જેવા 26 સોશિયા મીડિયા એપ્સ પર બેન લગાવી દીધો હતો.


  • Follow us on: