નેપાળમાં જનરેશન-ઝેડ એટલે કે Gen-Z નો હોબાળો હિંસક બન્યો છે. સોમવારે જનરેશન-ઝેડના પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આંદોલનને ધ્યાનમાં રાખીને, સમગ્ર કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
જનરેશન-ઝેડનું સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવી સોશિયલ નેટવર્કિંગ એપ્સ પર પ્રતિબંધ સામે કાઠમંડુ સહિત નેપાળના મોટા શહેરોમાં જનરેશન-ઝેડના લોકો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પહેલીવાર સોશિયલ નેટવર્કિંગ એપ્સ મામલે આંદોલન
આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશમાં સોશિયલ નેટવર્કિંગ એપ્સ ચલાવવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 82 ટકા હિન્દુ વસ્તી ધરાવતું નેપાળ દક્ષિણ એશિયાનો એક એવો દેશ છે, જેમાં ચીનના કબજા હેઠળના તિબેટ અને ભારત તેના પડોશી છે.
જનરેશન-ઝેડ શા માટે વિરોધ કરી રહ્યું છે?
કાઠમંડુના રસ્તાઓ પર લગાવવામાં આવેલા પોસ્ટરોમાં કહેવામાં આવ્યું છે કે આ કેપી શર્મા ઓલીની સરકારના ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ છે. ઓલી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે, નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી 25 એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.
Gen-Z ના પ્રદર્શનકારીઓ ગુસ્સામાં
Gen-Z ના પ્રદર્શનકારી કહે છે કે સરકાર કાયદા દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને નિયંત્રિત કરવા માંગે છે, જેથી લોકો ખુલ્લેઆમ પોતાનો અવાજ ઉઠાવી ન શકે. આ કાયદાનો સંસદમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે તેને ગળું દબાવતો કાયદો ગણાવ્યો હતો. જોકે, બહુમતી હોવાને કારણે સરકારે તેને ગૃહમાં સરળતાથી પસાર કરી દીધો.
શું પડદા પાછળ કોઈ બીજી રમત છે?
જો કે આ ઘટનામાં આ વાતને નકારી શકાય નહીં. હિન્દુ નેતા દુર્ગા પ્રસાઈ પણ Genration-Z ના વિરોધમાં સામેલ છે. તાજેતરમાં, દુર્ગા પ્રસાઈ જામીન પર બહાર આવ્યા છે. પ્રસાઈએ જૂન 2025 માં કાઠમંડુમાં રાજાશાહી લાવવા અને લોકશાહી દૂર કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પ્રસાઈ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમને જામીન મળ્યા હતા.
નેપાળની ઓલી સરકાર બે મોરચે ખરાબ રીતે ઘેરાયેલી
Genration-Z વિરોધ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે નેપાળની ઓલી સરકાર બે મોરચે ખરાબ રીતે ઘેરાયેલી છે. પહેલો મોરચો તેમના પક્ષ CPM (UML) માં ખુલ્લો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સક્રિય રાજકારણમાં પાછા આવવા માંગે છે, પરંતુ ઓલી તેમને મંજૂરી આપી રહ્યા નથી.
ઓલીને આપેલો ટેકો પાછો ખેંચવાની વાત
આ અંગે પાર્ટીના આંતરિક વર્તુળોમાં હોબાળો ચાલી રહ્યો છે. તે જ સમયે, ગઠબંધન ભાગીદાર નેપાળી કોંગ્રેસમાં બીજો મોરચો ખુલ્યો છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ ઓલીને આપેલો ટેકો પાછો ખેંચવાની વાત કરી રહ્યા છે. નેપાળ સંસદમાં ઓલીની પાર્ટી કરતાં કોંગ્રેસના સાંસદો વધુ છે.