નેપાળમાં હાલમાં મોટું રાજકીય અને સામાજિક સંકટ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શનો અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પર જનવિરોધી આંદોલન બાદ રાજીનામું આપી દીધું છે. આ પ્રદર્શનોમાં પોલીસની કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 22 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે.


કાઠમંડુ એરપોર્ટ સાંજે 4 વાગ્યે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો

હજારો પ્રદર્શનકારીઓ સરકારી બિલ્ડિંગોમાં ઘુસી ગયા અને ઘણી જગ્યાઓ પર આગ પણ લગાવી હોવાની ઘટનાઓ સામે આવી છે. જિલ્લા કાર્યાલય, ચૂંટણી કાર્યાલય, કોર્ટ અને અન્ય સરકારી ભવનમાં આગ લગાવવામાં આવી છે. સ્થાનિક રાજકીય પાર્ટીઓની ઓફિસ અને સુપરમાર્કેટ પણ આગની ચપેટમાં આવ્યા છે. સ્થિતિ બગડવા પર નેપાળ આર્મીને મોટા શહેરમાં તૈનાત કરવામાં આવી છે, જે જનતાને શાંતિ રાખવા માટેની અપીલ કરી રહી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી બંધ રહેલું કાઠમંડુ એરપોર્ટ 4 વાગ્યે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટમાં ફસાયેલા ભારતીય પ્રવાસીઓને પરત મોકલવા માટે એરપોર્ટ પર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયા હોવાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને મદદ માટે સરકારને અપીલ કરવામાં આવી હતી.

ભારત-નેપાળ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

બીજી તરફ ઉત્તરપ્રદેશના ડીજીપીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં નેપાળની સ્થિતિમાં સુધારાના સંકેત મળી રહ્યા છે પણ ભારત-નેપાળ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના 7 જિલ્લા નેપાળ સાથે જોડાયેલા છે. જ્યાં પોલીસ ફોર્સની તૈનાતી કરવામાં આવી છે. ત્યારે નેપાળમાં ફસાયેલા લોકોની મદદ માટે એક વિશેષ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક વોટસએપ નંબર પણ સામેલ છે. નેપાળના ચીફ સેક્રેટરીએ તમામ સચિવો અને જિલ્લા અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. જાણકારી મુજબ આજે સાંજે 5 વાગ્યે જિલ્લા અધિકારીઓની વર્ચ્યુઅલ બેઠક યોજાશે. 

  • Follow us on: