નેપાળમાં સરકારી ભ્રષ્ટાચાર સામે GEN-Z ના વિરોધ પ્રદર્શનોને કારણે ફેલાયેલી હિંસાથી સ્થિતિ બેકાબૂ બની રહી છે. આવી પરિસ્થિતિમાં નેપાળ ગયેલા પ્રવાસીઓ અને ત્યાં રહેતા ભારતીય નાગરિકો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પાણીટંકીમાં ભારત-નેપાળ સરહદ ઓળંગી ભારત પાછા આવ્યા છે. ભારત આવ્યા બાદ નાગરિકોએ જણાવ્યું કે હવે તેમને સારું લાગે છે. એમ લાગે છે કે જીવમાં જીવ પાછો આવી ગયો છે.


પ્રવાસીઓનો જીવમાં જીવ આવ્યો

નેપાળમાંથી પાછા ફરેલા એક પર્યટકે કહ્યુ કે ત્યાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. હડતાળ 10-15 દિવસ સુધી ચાલશે. અમે આસામથી છીએ અને હવે નેપાળમાંથી પાછા ફરી રહ્યા છીએ. ભારત આવીને સારું લાગ્યું. એવું લાગે છે કે જીવ બચી ગયો. બુધવારે ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.

વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

વિદેશ મંત્રાલયે (MEA) નેપાળની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે પ્રવાસ સલાહ (એડવાઇઝરી) જાહેર કરી છે. બીજી તરફ, નેપાળમાં ચાલી રહેલા રોજગાર સંકટના કારણે દરરોજ લગભગ 5,000 યુવાનો દેશ છોડીને વિદેશમાં નોકરી શોધી રહ્યા છે. આ પરિસ્થિતિએ અશાંતિમાં વધુ વધારો કર્યો છે.

ભ્રષ્ટાચાર અને પક્ષપાતને ખતમ કરવાની માંગ

કાઠમંડુ, પોખરા, બુટવલ અને બીરગંજ સહિતના મહત્વના શહેરોમાં 8 સપ્ટેમ્બરથી આંદોલન શરૂ થયું હતું. વિરોધ પ્રદર્શકો શાસન તંત્રમાં સ્થાયી થયેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે સરકાર નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ જવાબદાર અને પારદર્શી બને. પ્રદર્શકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૂકાયેલા પ્રતિબંધોને પણ હટાવવાની માંગ કરી રહ્યા છે, જેને તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ માને છે.


  • Follow us on: