ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વધી રહેલી હિંસા અને અસ્થિર રાજકીય પરિસ્થિતિને લઈને ભારતે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ સરકારે ભારતીય નાગરિકો માટે વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.


આ બે વિઝા સિવાય બધી જ વિઝા શ્રેણીઓ સ્થગિત

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે ભારતીય નાગરિકો માટે વ્યવસાય (બિઝનેસ) અને રોજગાર (એમ્પ્લોયમેન્ટ) વિઝા સિવાયની બધી વિઝા શ્રેણીઓ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણય ગુરુવારથી અમલમાં આવ્યો છે. આ પ્રતિબંધ હવે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં આવેલા બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશન સુધી વિસ્તરાવવામાં આવ્યા છે.

 કોન્સ્યુલર અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે બંધ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોલકાતા સ્થિત ડેપ્યુટી હાઈ કમિશનમાં તમામ કોન્સ્યુલર અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સાથે જ મુંબઈ અને ચેન્નાઈમાં પ્રવાસી વિઝા સહિત અન્ય વિઝા સેવાઓ પણ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પગલું સુરક્ષા ચિંતાઓ અને વર્તમાન કૂટનીતિક વાતાવરણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

 22 ડિસેમ્બરે પણ આ સેવાઓ બંધ કરી હતી

આ પહેલા પણ 22 ડિસેમ્બરે બાંગ્લાદેશે નવી દિલ્હી, અગરતલા, સિલિગુડી અને ગુવાહાટી સ્થિત મિશનોમાં વિઝા અને કોન્સ્યુલર સેવાઓ બંધ કરી હતી. ત્યારબાદ ભારતમાં બાંગ્લાદેશી વિઝા જારી કરવાની પ્રક્રિયા માત્ર પસંદગીની કેટેગરી સુધી મર્યાદિત કરી દેવામાં આવી હતી.

 બાંગ્લાદેશની અંદરની રાજકીય અશાંતિ

તણાવનું મુખ્ય કારણ બાંગ્લાદેશની અંદરની રાજકીય અશાંતિ છે. શેખ હસીનાની સરકાર સામે થયેલા બળવા બાદ દેશમાં અસ્થિરતા વધી છે. તાજેતરમાં હિન્દુ લઘુમતીઓ સામે હિંસાના અનેક અહેવાલો સામે આવ્યા છે, જેને લઈને ભારતે કડક પ્રતિક્રિયા આપી છે.

2025માં તણાવ વધી ગયો હતો..

ડિસેમ્બર 2025માં તણાવ વધુ વધી ગયો હતો, જ્યારે વિદ્યાર્થી આંદોલનના નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા થઈ હતી. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા અને ભારત વિરોધી નારાઓ પણ લાગ્યા. બાંગ્લાદેશનો આરોપ છે કે ભારત નવી રાજકીય વ્યવસ્થાને કમજોર બનાવવા પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ભારત લઘુમતીઓની સુરક્ષાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશે વિઝા સેવાઓ પર નિયંત્રણો લાદ્યા છે. હાલ સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે અને આવનારા સમયમાં નિયમોમાં ફેરફાર શક્ય છે.

આ પણ વાંચો : America સામે ઈરાનનું આક્રમક વલણ, આગોતરા હુમલાની ચેતવણી, જાણો શું છે મામલો?


  • Follow us on: