વૈશ્વિક સ્તરે શક્તિશાળી બનવાની હોડમાં પરમાણુ હથિયારો હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. સ્વીડનની પ્રખ્યાત થિંક ટેન્ક 'સિપ્રી' (SIPRI) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતે શાંતિકાળ દરમિયાન પહેલીવાર ૧૨ પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે, જ્યારે ચીને પણ પોતાની સંખ્યા ૨૪ થી વધારીને ૩૪ કરી દીધી છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોના મનમાં સવાલ થાય છે કે, શું પરમાણુ બોમ્બ બનાવવા માટે કોઈ દેશ કે સંસ્થાની પરવાનગી લેવી પડે છે? અને આ બાબતમાં ભારતની સ્થિતિ શું છે?
શું કોઈની પરવાનગી જરૂરી છે?
સીધા શબ્દોમાં કહીએ તો, પરમાણુ બોમ્બ બનાવવા માટે કોઈ બીજા દેશ કે સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી સંસ્થાની લેખિત મંજૂરીની જરૂર હોતી નથી. દરેક દેશ પોતાની સુરક્ષા માટે આ નિર્ણય જાતે લઈ શકે છે. જો કે, આ પ્રક્રિયા તદ્દન અવરોધ વિનાની નથી. જો કોઈ દેશ ગુપ્ત રીતે આવું કરે છે, તો તેને વૈશ્વિક સ્તરે ભારે વિરોધ અને કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.
શું છે NPT સંધિ અને કયા દેશોને મળી છે માન્યતા?
દુનિયામાં પરમાણુ હથિયારોની હોડ રોકવા માટે ૧૯૬૮માં પરમાણુ અપ્રસાર સંધિ (NPT) તૈયાર કરવામાં આવી હતી. આ સંધિ હેઠળ માત્ર પાંચ દેશો—અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સને જ પરમાણુ હથિયાર રાખવાની માન્યતા આપવામાં આવી છે. જે દેશ આ સંધિ પર હસ્તાક્ષર કરે છે, તે ક્યારેય પોતાની મરજીથી પરમાણુ બોમ્બ બનાવી શકતો નથી.
આ લિસ્ટમાં ભારત કેમ નથી?
ભારત સત્તાવાર રીતે આ સંધિ (NPT) નો ભાગ નથી. ભારત શરૂઆતથી જ આ કાયદાને પક્ષપાતપૂર્ણ અને ભેદભાવયુક્ત ગણાવે છે, કારણ કે તે માત્ર પાંચ દેશોને પરમાણુ બોમ્બ રાખવાની છૂટ આપે છે અને બાકીના દેશો પર પ્રતિબંધ લગાવે છે. આથી ભારતે ક્યારેય તેના પર સહી નથી કરી. તેમ છતાં, ભારત વિશ્વના એવા ૯ શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ છે જે પરમાણુ શક્તિથી સંપન્ન છે. ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઈઝરાયેલે પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી. જ્યારે ઉત્તર કોરિયા ૨૦૦૩માં આ સંધિમાંથી બહાર નીકળી ગયું હતું.
યુરેનિયમની ખરીદી અને NSG ના નિયમો
ભલે બોમ્બ બનાવવા માટે પરવાનગીની જરૂર નથી, પણ તેના માટે જરૂરી કાચો માલ જેમ કે હાઈ-ક્વોલિટી યુરેનિયમ મેળવવું ખૂબ મુશ્કેલ છે. આ ટેકનિક અને સામગ્રીના વૈશ્વિક વેપારને નિયંત્રિત કરવા માટે ૪૮ દેશોનું એક જૂથ કામ કરે છે, જેને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) કહેવામાં આવે છે. ભારત હાલમાં આ ગ્રુપનું સભ્ય નથી, પરંતુ પોતાની વધતી જતી જરૂરિયાતો માટે તેની સદસ્યતા મેળવવા સતત પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો:Donald Trump:નેતન્યાહૂથી નારાજ નથી,પણ બેરૂત હુમલો પસંદ ન આવ્યો,ઈરાન-અમેરિકા કરાર વચ્ચે ટ્રમ્પનું નિવેદન