અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે ઈરાન ગયેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસીમ મુનીરને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહેલા મુનીરનો ત્રણ દિવસનો તેહરાન પ્રવાસ નિષ્ફળ સાબિત થયો છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે કોઈ પણ સંજોગોમાં પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરશે નહીં.


અમેરિકાની 'ચમચાગીરી' કામ ન આવી

રિપોર્ટ્સ મુજબ, આસીમ મુનીરે ટ્રમ્પ પ્રશાસન પાસે એવી વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો કે ઈરાન પોતાનો એનરિચ્ડ યુરેનિયમનો જથ્થો ટ્રાન્સફર કરવા તૈયાર છે. જોકે, ઈરાને આ વાતને સદંતર નકારી કાઢી છે. ઈરાની નેતાઓએ ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાની સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરશે નહીં અને પરમાણુ કાર્યક્રમ પર પાછા હટવાનો સવાલ જ ઊભો થતો નથી.

તમામ મોટા નેતાઓને મળ્યા,પણ સફળતા ન મળી

પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન જનરલ મુનીરે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન, સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પણ સામેલ હતા. પાકિસ્તાનનો મુખ્ય હેતુ અમેરિકાના ઈશારે ઈરાનને સમજાવવાનો હતો, પરંતુ ઈરાન પોતાની પૂર્વ શરતો પર અડગ રહ્યું.

શાંતિ પ્રયાસોના નામે પછડાટ

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR એ ભલે આ પ્રવાસને પ્રાદેશિક સુરક્ષા અને શાંતિ માટેનો ગણાવ્યો હોય, પરંતુ વાસ્તવમાં આ પ્રવાસ પાકિસ્તાનની નબળી રાજદ્વારી સ્થિતિને દર્શાવે છે. ઈરાન દ્વારા પરમાણુ મુદ્દે નમતું ન જોખતા પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સમીકરણો હવે વધુ ગૂંચવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Pakistanમાં ખેડૂતોનો હલ્લાબોલ,100થી વધુ શહેરમાં રસ્તા પર ઉતર્યા અન્નદાતા,સરકારનો વિરોધ

  • Follow us on: