પાકિસ્તાનના બલૂચિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા.અહિંયા જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાનો બનાવવામાં આવી છે. પોલીસ અને રેલ્વે અધિકારીઓએ જણાવ્યુ કે રવિવારે જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ટ્રેન માંડ માંડ બચી.
શું છે આખી ઘટના?
બલૂચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં રેલવે ટ્રેક પર વિસ્ફોટ ત્યારે થયો, જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ.એક મોટી ઘટના ટળી ગઇ.નહિતર જાનમાલનું ભારે નુકસાન થઈ શકતું હતું. અધિકારીઓએ કહ્યું કે અજ્ઞાત હુમલાખોરોએ શહીદ અબ્દુલ અઝીઝ બુલ્લો વિસ્તારના રેલવે ટ્રેક પર બોમ્બ મૂક્યો હતો. જોકે બ્લાસ્ટ ત્યારે થયો, જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ ચૂકી હતી. જેમ જ આ ઘટનાની જાણકારી અધિકારીઓ સુધી પહોંચી ત્યાં હડકંપ મચી ગયો અને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા. હવે મામલાની બારીકીથી તપાસ ચાલી રહી છે અને આ બોમ્બ પ્લાન્ટિંગ પાછળ કોણ છે તે જાણવા પ્રયાસ થઈ રહ્યો છે.
ટ્રેન પર રોકેટ પણ ફાયર થયા
ટ્રેનને માત્ર ઉડાવવાનો જ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો, પરંતુ તેને દૂરથી ચાર રૉકેટ પણ ફાયર કરવામાં આવ્યા હતા. જોકે સદ્દનસીબે રોકેટ્સ ટ્રેન અડ્યા નહીં અને બાજુમાંથી પસાર થઈ ગયા, જેના કારણે ટ્રેન અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. જોકે રેલવે ટ્રેકનો એક ભાગ ખરાબ થયો છે, જેના કારણે આસપાસની રેલ સેવાઓને હાલ રોકી દેવામાં આવી છે.
હુમલાની જવાબદારી કોણે લીધી?
બલૂચ રાષ્ટ્રવાદી નેતા મીર યાર બલૂચના જણાવ્યા અનુસાર બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (BRG) એ આ હુમલાની જવાબદારી લીધી છે. મીડિયાને જાહેર કરેલા એક નિવેદનમાં આ વાત જણાવવામાં આવી છે.
જાફર એક્સપ્રેસ પહેલા પણ નિશાન બની ચૂકી છે
આ પહેલો પ્રસંગ નથી, જ્યારે જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હોય. ઉગ્રવાદીઓએ અગાઉ પણ આ ટ્રેન પર હુમલા કર્યા છે. 11 માર્ચ પછી આ ટ્રેનને લગતા અનેક હુમલા થઈ ચૂક્યા છે. અગાઉ બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આતંકવાદીઓએ 440 મુસાફરો સાથે પેશાવર જતી ટ્રેન પર હુમલો કર્યો હતો.
18 જૂને પણ જેકોબાબાદ પાસે રિમોટ કન્ટ્રોલ્ડ વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર બોગીઓ પટરી પરથી ઉતરી ગઈ હતી. 29 ઓક્ટોબરે પણ નસીરાબાદ જિલ્લાના નોટલ વિસ્તારમાં જાફર એક્સપ્રેસ પર રોકેટ હુમલો થયો હતો. આ વખતે પણ રોકેટ વડે ટ્રેનને દૂરથી ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.