પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ ક્વેટા શહેરમાં થયેલા ભયાનક ટ્રેન હુમલાનો બદલો લેતા ૧૭ શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની સેનાના સત્તાવાર મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે ક્વેટા સ્ટેશન નજીક એક શટલ ટ્રેન પર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ૩ સુરક્ષાકર્મીઓ સહિત ૧૬ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સેનાએ આખા બલૂચિસ્તાનમાં મોટા પાયે ઇન્ટેલિજન્સ-બેઝ્ડ ઓપરેશન (IBO) શરૂ કર્યા હતા.


આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા

સેનાએ બલૂચિસ્તાનના મસ્તુંગ, નુશ્કી, ઝહરી, ખુઝદાર અને કેચ જેવા વિવિધ જિલ્લાઓમાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને 'ફિતના-અલ-હિન્દોસ્તાન' સંગઠન સાથે જોડાયેલા આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને તૈયાર આઈઈડી (IED) વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે.

આતંકીઓને શોધવા માટે કડક સર્ચ ઓપરેશન 

ઉલ્લેખનીય છે કે, મે 2026 ના છેલ્લા અઠવાડિયામાં ક્વેટાના ચમન ફાટક પાસે લશ્કરી ટ્રેન અને પેશાવર જતી જાફર એક્સપ્રેસને નિશાન બનાવીને શક્તિશાળી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ટ્રેનના એન્જિન અને ડબ્બાઓ ભારે ક્ષતિગ્રસ્ત થયા હતા અને અનેક મુસાફરો ભોગ બન્યા હતા. આ આતંકી હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન 'બલૂચ લિબરેશન આર્મી' (BLA) એ લીધી હતી. આ ઘટના બાદ રેલવે વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે ટ્રેનોની અવરજવરને અસ્થાયી રૂપે રોકી દીધી છે અથવા રૂટ બદલી નાખ્યા છે. હાલમાં પણ સેના દ્વારા બાકી બચેલા આતંકીઓને શોધવા માટે કડક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:India Nepal Border: ભારત-નેપાળ સરહદ વિવાદ શું છે?210 વર્ષમાં આ 3 નદીએ બદલ્યો પોતાનો રસ્તો


  • Follow us on: