પાકિસ્તાનમાં મીડિયા પર મોટી કાર્યવાહી જોવા મળી છે.પાકિસ્તાન સરકારે દેશની સૌથી મોટી ન્યૂઝ ચેનલોમાંની એક 'જિયો ન્યૂઝ'નું ટીવી લાયસન્સ અને પ્રસારણ 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું છે. સરકારનું કહેવું છે કે ચેનલના એક કાર્યક્રમમાં એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા,જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. આ મામલે આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર હેઠળ કામ કરતી 'પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી' (PEMRA) એ મધરાત્રે આદેશ જાહેર કરીને જિયો ન્યૂઝનું ટીવી લાયસન્સ અને પ્રસારણ 15 દિવસ માટે સ્થગિત કરી દીધું હતું.
આખા મામલાની આંતરિક તપાસ કરવા સૂચના
PEMRAના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિયો ન્યૂઝે શુક્રવારે સવારે પ્રસારિત થયેલા તેના કાર્યક્રમ "સફર-એ-ઈશ્ક" માં કેટલાક એવા દ્રશ્યો બતાવ્યા હતા, જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. આ આધાર પર ચેનલ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. PEMRA એ આ મામલાને આગળની કાયદાકીય કાર્યવાહી માટે રેગ્યુલેટરી કાઉન્સિલ પાસે મોકલી દીધો છે. તપાસ બાદ પાકિસ્તાનના કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રેગ્યુલેટરી ઓથોરિટીએ જિયો ન્યૂઝને પણ પોતાના સ્તરે આખા મામલાની આંતરિક તપાસ કરવા સૂચના આપી છે.













