પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની રાજધાની ટોક્યો પહોંચી ગયા છે. તેઓ અહીં 15મા વાર્ષિક ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેશે. જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાના આમંત્રણ પર પીએમ મોદી બે દિવસની મુલાકાત માટે જાપાન પહોંચ્યા છે. PM મોદી 29 થી 30 ઓગસ્ટ સુધી જાપાન પ્રવાસે રહેશે. PM મોદીની સાત વર્ષ પછી જાપાનની આ પહેલી મુલાકાત છે.


PM મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે, હું ટોક્યો પહોંચી ગયો છું. ભારત અને જાપાન વચ્ચે વિકાસ સહયોગના સતત મજબૂત બનતા સંબંધો વચ્ચે, મને આશા છે કે આ મુલાકાત પ્રધાનમંત્રી ઇશિબા અને અન્ય નેતાઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાની, હાલની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અને નવા સહયોગ માટેની શક્યતાઓ શોધવાની તક પૂરી પાડશે.

જાપાનના ભારતીય સમુદાયમાં ઉત્સાહ

જાપાનમાં ભારતીય સમુદાય પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતને લઈને ઉત્સાહિત છે. શિખર સંમેલન દરમિયાન, બંને પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરશે, વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો અંદાજ કાઢશે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

પીએમ મોદી ટોક્યોમાં ભારતીય સમુદાયને મળ્યા, તસવીરો શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ટોક્યોમાં ભારતીય સમુદાયના પ્રેમ અને ઉષ્માથી અભિભૂત થયા છે. તેમણે જાપાનમાં રહીને અને તેમના સાંસ્કૃતિક મૂળને જાળવી રાખીને ભારતીય લોકો સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન કેવી રીતે આપી રહ્યા છે તેની પ્રશંસા કરી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે થોડા કલાકોમાં તેઓ જાપાનના વ્યાપારી નેતાઓ સાથે મુલાકાત કરશે, જ્યાં ભારત-જાપાન વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા થશે.

ગાયત્રી મંત્ર, રાજસ્થાની પહેરવેશ... જાપાનના લોકોએ PM મોદીનું આ રીતે સ્વાગત કર્યું

જાપાનમાં આગમન પર ભારતીય પ્રવાસી સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જાપાની સમુદાયના લોકોએ ગાયત્રી મંત્ર અને અન્ય મંત્રોચ્ચાર કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. રાજસ્થાની પહેરવેશમાં સજ્જ જાપાની લોકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે રાજસ્થાની લોકગીતો ગાયા.

  • Follow us on: