ગુજરાતની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી હવે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બે મહત્વની વિદેશ યાત્રા પર જવાના છે. આ ખાસ મુલાકાતની યાદીમાં પહેલા જાપાન અને પછી ચીનનો સમાવેશ થાય છે. જોકે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ વખતે પ્રધાનમંત્રીની જાપાન યાત્રાને ખુબજ ખાસ ગણાવી છે.
15માં વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે મોદી
એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનો અમેરિકા સાથે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ પ્રધાનમંત્રી મોદી આ ટેરિફ વિવાદને જોરદાર ટક્કર આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશના સંબંધો વધારે મજબૂત કરવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે જાપાનની મુલાકાત લેશે. જાપાનમાં, તેઓ પીએમ શિગેરુ ઇશિબા સાથે 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
મોદી-ઈશિબા ભારતીય ઉદ્યોગને નવી દિશા આપશે
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 28 ઓગસ્ટની સાંજે જાપાનની સત્તાવાર મુલાકાત લેશે. જાપાનની આ ખાસ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી પહેલીવાર જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબાને મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ નવા ટેરિફ વિવાદ વચ્ચે મોદીની જાપાન મુલાકાતને ખુબજ ખાસ માનવામાં આવે છે કેમ કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીના નિવેદન મુજબ મોદીની આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય એજન્ડાને સમર્પિત હશે, જેનાથી બંને દેશોમાં વેપાર વાણિજ્યની નવી દિશાઓ ખુલશે.
વડા પ્રધાનની આ આઠમી જાપાન મુલાકાત
ભારતના પહેલેથી જ જાપાન સાથેના સંબંધો ખૂબ મજબૂત રહ્યા છે. ભારત અને જાપાન વચ્ચે વેપાર અને વાણિજ્યના વ્યવહારો ખુબજ સુરક્ષિત અને સ્થિર રહ્યા છે. 28 ઓગસ્ટની મુલાકાત પહેલા વડા પ્રધાન મોદી કુલ 7 વાર જાપાનની મુલાકાત લઈ ચૂક્યા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં આ તેમની 8મી જાપાન મુલાકાત હશે જે વાત ભારત અને જાપાન વચ્ચેના ખાસ સંબંધની અત્યંત ઉચ્ચ પ્રાથમિકતા દર્શાવે છે. આ ખાસ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અગ્રણી જાપાની અને ભારતીય ઉદ્યોગકારો સાથે પણ મુલાકાત કરશે.