નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવાની સાથે સુશીલા કાર્કીએ પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું કે નેપાળની સત્તા એવા સમયે તેમના હાથમાં આવી છે કે તે ખુશ થવાને બદલે, બધાના સહયોગથી તેને એક મોટી જવાબદારી માનીને પૂર્ણ કરશે.

આર્થિક સહાયની જાહેરાત

સંબોધન દરમિયાન સુશીલા કાર્કીએ Gen Z આંદોલનકારીઓ માટે એવો નિર્ણય લીધો કે તેઓ ગર્વ અનુભવશે. રાષ્ટ્રજોગ સંબોધનમાં કાર્કીએ કહ્યું કે તેમની સરકાર માર્યા ગયેલા યુવાનોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે અને ઘાયલોને પણ મદદ કરશે. સુશીલા કાર્કીએ કહ્યું હતુ કે, જે પરિવારોએ પોતાના શાળા કે કોલેજ જતા બાળકો ગુમાવ્યા છે તેમના દુઃખની હું ઊંડાણપૂર્વક લાગણી અનુભવું છું. આ શહીદોના પરિવારોને 10 લાખ નેપાળી રૂપિયાની સહાય આપવામાં આવશે.

નુકસાનીનો અહેવાલ કરાશે તૈયાર

નેપાળ સરકારે 134 ઘાયલ પ્રદર્શનકારીઓ અને 57 ઘાયલ પોલીસકર્મીઓની તબીબી સારવારની જાહેરાત કરી છે. મંત્રાલયોને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની વિગતો આપતો અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં 72 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 59 વિરોધીઓ, 10 કેદીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

જનતાનું સમર્થન જરુરીઃ સુશીલા કાર્કી

73 વર્ષીય સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા પીએમ અને દેશના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે આ જવાબદારી એવા સમયે સંભાળી છે. જ્યારે Gen Z ચળવળ પછી કેપી શર્મા ઓલીની સરકારે રાજીનામું આપ્યું છે. કાર્કીએ સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર કાયમી નથી અને તે દેશમાં નવી સંસદની પસંદગી ન થાય ત્યાં સુધી ફક્ત છ મહિનાથી એક વર્ષ સુધી કામ કરશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, અમે સત્તાનો સ્વાદ ચાખવા આવ્યા નથી. અમે અહીં ફક્ત દેશને સ્થિરતા આપવા માટે છીએ. અમે જનતાના સમર્થન વિના સફળ થઈ શકતા નથી. 

  • Follow us on: