અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની અલાસ્કામાં યોજાનારી બેઠકમાં જમીનોની અદલાબદલી (ટેરિટોરિયલ સ્વેપ) અંગે ચર્ચા થશે. આ બેઠક માત્ર રશિયા-યુક્રેન યુદ્ધની દિશા નક્કી કરવા પૂરતી સીમિત નથી, પરંતુ યુરોપના ભવિષ્યની સુરક્ષા પર પણ તેનો પ્રભાવ પડવાનો છે. શુક્રવારે અલાસ્કાના એક લશ્કરી મથક પર યોજાનારી આ બેઠકને ટ્રમ્પ પોતાની રાજદ્વારી કુશળતા દર્શાવવાની એક તક તરીકે જુએ છે. ટ્રમ્પે જણાવ્યું કે, "આ મુદ્દા પર વાત થશે, પરંતુ અંતિમ નિર્ણય યુક્રેનને જ લેવાનો છે, અને મને લાગે છે કે તેઓ સાચો નિર્ણય લેશે. હું અહીં યુક્રેન વતી સોદો કરવા નથી આવ્યો." તેમણે ઉમેર્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ ન હોત, તો પુતિન અત્યાર સુધીમાં આખું યુક્રેન હડપી ચૂક્યા હોત, પણ હવે એવું થશે નહીં.
યુક્રેન વગર યુક્રેન વિશે કોઈ નિર્ણય નહીં
પુતિનને અમેરિકન ધરતી પર બોલાવીને ટ્રમ્પ એક મોટો જોખમ ઉઠાવી રહ્યા છે. સાડા ત્રણ વર્ષ પહેલા યુક્રેન પરના હુમલા પછી વૈશ્વિક મંચ પર પુતિનને અલગ-થલગ કરી દેવાયા હતા. આ મુલાકાત તેમને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી શકે છે. વધુમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને આ બેઠકમાં સામેલ ન કરવાથી 'યુક્રેન વગર યુક્રેન વિશે કોઈ નિર્ણય નહીં' એવી પશ્ચિમી નીતિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આનાથી એવો ભય ઊભો થયો છે કે ટ્રમ્પ કોઈ એવી સમજૂતી કરી શકે છે જે યુક્રેનને સ્વીકાર્ય ન હોય. બીજી તરફ, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે સ્પષ્ટ કર્યું છે કે, "અમારી સ્થિતિ સ્પષ્ટ છે, અને અમે તેને મજબૂતીથી રજૂ કરીશું." પુતિન હંમેશા એક એવી સ્થાયી શાંતિ સમજૂતીની તરફેણ કરે છે જેમાં રશિયાની શરતોનો સમાવેશ થાય, માત્ર અસ્થાયી યુદ્ધવિરામનો નહીં.
અલાસ્કાની પસંદગી પણ ખૂબ મહત્વની
આ બેઠક માટે અલાસ્કાની પસંદગી પણ ખૂબ મહત્વની છે. આ સ્થળ રશિયાથી માત્ર 5 કિલોમીટર દૂર છે, અને અમેરિકાએ તેને 1867 માં રશિયા પાસેથી જ ખરીદ્યું હતું. આ મુલાકાત જ્યાં થઈ રહી છે તે જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચર્ડસન શીત યુદ્ધ દરમિયાન સોવિયત સંઘ સામે એક મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યું છે. રશિયાના સમર્થક વિશ્લેષક સર્ગેઈ માર્કોવનું માનવું છે કે અલાસ્કાની પસંદગી યુરોપ અને યુક્રેનથી અંતર રાખવાનો સંકેત આપે છે. જોકે, ભૂતપૂર્વ CIA વિશ્લેષક જ્યોર્જ બીબી કહે છે કે આટલી ઝડપથી આયોજિત બેઠકથી ગેરસમજણો ઊભી થઈ શકે છે, પરંતુ ટ્રમ્પ કોઈ નક્કર પરિણામની આશા રાખતા હશે, તેથી જ તેઓ આ મુલાકાત કરી રહ્યા છે.