અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન આજે 15મી ઓગષ્ટે અલાસ્કામાં મુલાકાત કરી રહ્યા છે. છ વર્ષ બાદ થઇ રહેલી આ મહત્વપૂર્ણ મુલાકાત એંકોરેજના એલમેનડોર્ફ-રિચર્ડસન મિલિટરી બેસ પર યોજાશે. બંને નેતાઓ વચ્ચે લગભગ 4 કલાક ચર્ચા થશે. આ મીટિંગ દરમિયાન એક જ રૂમમાં દુનિયાના કુલ 7000 ન્યુક્લિયર હથિયારનો કંટ્રોલ રહેશે.


કોની પાસે કેટલા પરમાણુ હથિયાર

નાગાસાકી એટોમિક રિસર્ચ સંસ્થાના અનુસાર, રશિયા પાસે લગભગ 4,310 ન્યુક્લિયર વૉરહેડ્સ છે, જ્યારે અમેરિકાના પાસે આશરે 3,900 પરમાણુ હથિયારો છે.

અનેક સ્તરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત

ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનને બહુ ઓછા દેશોમાં જાહેરમાં જોવા મળ્યા છે. અલાસ્કામાં તેમના માટે અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. પુતિનની સુરક્ષા માટે રશિયન ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસ (FSO)ના વિશેષ યુનિટ હાજર રહેશે. પુતિનના બોડીગાર્ડ્સ સાથે ઘણા સૂટકેસ પણ હશે – પરંતુ એ સામાન્ય સૂટકેસ નથી. આ બધા સૂટકેસ બુલેટપ્રૂફ હોય છે અને હુમલા સમયે તેમને શીલ્ડ (ઢાલ) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

પુતિનનું 'ચેગેટ' — રશિયન ન્યુક્લિયર બ્રીફકેસ

પુતિન સાથે હંમેશા 'ચેગેટ' નામનું ન્યુક્લિયર બ્રીફકેસ હોય છે. તેનું નામ કોકેસસ પર્વતોમાં આવેલા માઉન્ટ ચેગેટ પરથી રાખવામાં આવ્યું છે. આ બ્રીફકેસ એક પ્રકારનું કમ્યુનિકેશન ડિવાઇસ છે, જેના માધ્યમથી રશિયન રાષ્ટ્રપતિ જરૂર પડ્યે ન્યુક્લિયર હુમલાનો આદેશ આપી શકે છે. આ બ્રીફકેસ સામાન્ય રીતે રશિયન નૌસેનાનો એક અધિકારી લઇને ફરતો હોય છે. આ બ્રીફકેસને રિમોટ બ્લાસ્ટથી બચાવવા માટે જેમર્સ પણ લાગેલા હોય છે.

ટ્રમ્પનો 'ન્યુક્લિયર ફૂટબોલ'

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ એક ખાસ બ્રીફકેસ હોય છે, જેને "ન્યુક્લિયર ફૂટબોલ" તરીકે ઓળખવામાં આવે છે. જેનું સત્તાવાર નામ "પ્રેસિડેન્શિયલ ઈમરજન્સી સેચલ" છે. તેના માધ્યમથી રાષ્ટ્રપતિ, વ્હાઈટ હાઉસ સીચ્યુએશન રૂમ અથવા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે પરમાણુ હુમલાનો કમાન્ડ આપી શકે છે. જેમાં એક "બિસ્કિટ" જેવું કાર્ડ હોય છે, જેમાં ન્યુક્લિયર લોન્ચ કોડ્સ હોય છે.

ઉંચા સ્તરની સુરક્ષા અને સૈનિકોની હાજરી

પુતિન-ટ્રમ્પની આ બેઠક દરમિયાન રશિયા અને અમેરિકા બંને તરફના વિશેષ એજન્ટોનો કડક સુરક્ષા ઘેરો રહેશે. એંકોરેજ નજીક આવેલું આ બેસ — એલમેનડોર્ફ-રિચર્ડસન મિલિટરી બેસ — અમેરિકાની વાયુસેના, થલસેના, નૌસેના, મરીન કોર્પ્સ અને નેશનલ ગાર્ડના સૈનિકોથી ભરેલું છે.

  • Follow us on: