ચીન અને રશિયા અમેરિકાના પ્રતિબંધો અને ટેરિફને પડકારવા માટે અનેક યોજનાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તાજેતરની SCO સમિટ દરમિયાન ચીન અને રશિયાએ પાવર ઓફ સાઇબિરીયા 2 ગેસ પાઈપલાઈન બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વધુ ગાઢ બનશે.


ગેઝપ્રોમના વડા એલેક્સી મિલરે આ કરારની જાહેરાત કરી

આ અઠવાડિયે બંને દેશોએ અમેરિકાના નેતૃત્વ હેઠળની વૈશ્વિક વ્યવસ્થાનો વિકલ્પ પ્રસ્તાવિત કર્યો. મંગળવારે બેઈજિંગમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ વચ્ચેની વાતચીત બાદ ગેઝપ્રોમના વડા એલેક્સી મિલરે આ કરારની જાહેરાત કરી છે. એક અહેવાલ મુજબ ત્રિપક્ષીય વાટાઘાટોમાં મોંગોલિયાના નેતા ખુરેલસુખ ઉખના ​​પણ હાજર હતા. પાઈપલાઈન માટે મંગોલિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે સેવા આપશે. ઉલ્લેખનીય છે કે ચીન અને રશિયાની આ ડીલથી અમેરિકાને મરચા લાગશે, કારણ કે ટેરિફને લઈને હવે તમામ દેશો અમેરિકાનો વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફમાં કોઈ ઘટાડો કરવાના મુડમાં નથી.

50 અરબ ઘન મીટર ગેસની નિકાસ કરવામાં આવશે

મિલરે વધુમાં જણાવ્યું હતું કે એકવાર કામ પૂર્ણ થયા પછી પાઈપલાઈન રશિયાથી મંગોલિયા દ્વારા વાર્ષિક 50 અબજ ઘન મીટર ગેસનું પરિવહન કરી શકશે અને નવા કરાર હેઠળ, પુરવઠો 30 વર્ષ સુધી ચાલુ રહેશે. અગાઉ, ચીન રશિયાના તેલનું સૌથી મોટું ખરીદદાર હતું. બંને દેશો વચ્ચે લાંબી વાટાઘાટો પછી થયેલા આ કરારો ચીન તેના પડોશી દેશથી ઊર્જા આયાતમાં નોંધપાત્ર વધારો કરશે અને યુક્રેન પરના હુમલા પછી યુરોપિયન બજારોમાં રશિયાને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં પણ મદદ કરશે. પશ્ચિમી દેશો પહેલાથી જ ચીન પર યુક્રેન સામે રશિયાને નાણાકીય મદદ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

  • Follow us on: