મિડલ-ઈસ્ટ માં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે પરમાણુ સામગ્રીના નિયંત્રણ અને પ્રાદેશિક તણાવને ઓછો કરવા માટે કરવામાં આવેલા કરારોના મોટા-મોટા દાવાઓ છતાં, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. આ અનિશ્ચિતતા અને ભય પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ઇઝરાયેલ આ અમેરિકન ડીલ સાથે સંપૂર્ણપણે અસંમત છે અને તેણે તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવાના મૂડમાં નથી
વોશિંગ્ટનની રાજદ્વારી કોશિશો પર ભરોસો રાખીને બેસી રહેવાના બદલે ઇઝરાયેલે ઈરાન અને તેના સમર્થિત સંગઠનો (જેમ કે હિઝબુલ્લાહ અને અન્ય મિલિશિયા) વિરૂદ્ધ પોતાના સૈન્ય અભિયાન અને હવાઈ હુમલા વધુ તેજ કરી દીધા છે. બેન્જામિન નેતન્યાહુ સરકારનું આ વલણ સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાની રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવાના મૂડમાં નથી. આ જ કારણે સમગ્ર ક્ષેત્રમાં ફરી એકવાર મોટા પાયે યુદ્ધ ભડકવાની આશંકા સેવાઈ રહી છે.
ડીલ શું છે અને તે કેટલી ટકાઉ છે?
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં એક એવો રોડમેપ તૈયાર કર્યો છે, જેના અંતર્ગત ઈરાનને તેના સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો જપ્ત કે નષ્ટ કરવાના બદલામાં તેના પર લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવશે. આ ઉપરાંત, વૈશ્વિક તેલ વ્યાપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને ફરીથી મુક્તપણે ખોલવાની વાત પણ આ ડીલમાં સામેલ છે. પરંતુ અમેરિકાની આ કથિત રાજદ્વારી જીતની વચ્ચે ઇઝરાયેલ સૌથી મોટો અવરોધ બનીને ઉભું રહ્યું છે. ઇઝરાયેલનું માનવું છે કે ઈરાન સાથે કરવામાં આવેલો કોઈપણ કરાર ત્યાં સુધી ટકાઉ કે વિશ્વાસપાત્ર ન હોઈ શકે, જ્યાં સુધી તેહરાન (ઈરાન)ના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવામાં ન આવે. મિડલ-ઈસ્ટમાં સક્રિય ઈરાનના પ્રોક્સી નેટવર્ક (હિઝબુલ્લાહ, હુથી અને અન્ય આતંકી જૂથો) નો નાશ ન થાય.
ઈરાન ફરીથી આર્થિક રીતે મજબૂત થઈ જશે
ઇઝરાયેલને ડર છે કે આ ડીલની આડમાં ઈરાન ફરીથી આર્થિક રીતે મજબૂત થઈ જશે અને પોતાના ગુપ્ત ઠેકાણાઓ પર પરમાણુ હથિયારો વિકસાવવાનું ચાલુ રાખશે. આ જ કારણ છે કે અમેરિકાની વાંધા-વચકાઓ છતાં ઇઝરાયેલ સતત ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.
અમેરિકાની જાહેરાતને ઘોળીને પી ગયું ઇઝરાયેલ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર જાહેરાતોને બાજુ પર મૂકીને ઇઝરાયેલી વાયુસેના અને ગુપ્તચર એજન્સી મોસાદ (Mossad) એ ઈરાનની અંદર તેમજ તેના પડોશી દેશો જેવા કે સીરિયા અને લેબનાનમાં સ્થિત ઈરાની સૈન્ય મથકો પર હુમલા ચાલુ રાખ્યા છે.

મહાસત્તા અમેરિકાના દબાણ સામે પણ નહીં નમે
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જ્યારે વાત ઇઝરાયેલના અસ્તિત્વ અને સુરક્ષાની આવશે, ત્યારે તેઓ મહાસત્તા અમેરિકાના દબાણ સામે પણ નહીં નમે. ઇઝરાયેલની વ્યુહરચના એ છે કે ટ્રમ્પની આ ડીલ જમીની સ્તરે સંપૂર્ણપણે લાગુ થાય અને ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સુરક્ષા કવચ મળે, તે પહેલા જ તેના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એટલું નબળું કરી દેવામાં આવે કે તે પલટવાર કરવાની સ્થિતિમાં જ ન રહે.
હવે આનાથી વિશ્વમાં શું થશે?
જો અમેરિકા ઇઝરાયેલની ચિંતાઓને ધ્યાનમાં લીધા વિના ઈરાન સાથે એકપક્ષીય સમજૂતી તરફ આગળ વધશે, તો તેની અસરો માત્ર મિડલ-ઈસ્ટ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વને ભોગવવી પડશે. આ કટોકટીથી વિશ્વમાં નીચે મુજબની ગંભીર અસરો થઈ શકે છે:
ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા
જો ઇઝરાયેલના સતત હુમલાઓથી કંટાળીને ઈરાને પોતાની બેલિસ્ટિક મિસાલો અને ડ્રોન વડે ઇઝરાયેલ પર સીધો વળતો પ્રહાર કર્યો, તો ટ્રમ્પની શાંતિ ડીલ અમલમાં આવ્યા પહેલા જ પડી ભાંગશે. ઈરાન પણ આ કરારમાંથી પાછું હટીને તેના બંધ પડેલા પરમાણુ રિએક્ટર્સને સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાએ પણ ફરજિયાતપણે ઇઝરાયેલના પક્ષમાં યુદ્ધમાં કૂદવું પડશે, જે આખા વિશ્વને મહાયુદ્ધ તરફ ધકેલી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો અને વૈશ્વિક મોંઘવારી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વૈશ્વિક તેલ પુરવઠાની લાઈફલાઈન છે. જો અહીં યુદ્ધ ભડકશે, તો ક્રૂડ ઓઈલ (કાચું તેલ) નો પુરવઠો ખોરવાઈ જશે. નિષ્ણાતોના મતે, તેલના ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડૉલરને પાર થઈ શકે છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે અને મોંઘવારીનો નવો આંચકો લાગશે.

શેરબજારમાં કડાકો અને આર્થિક મંદી
યુદ્ધના ભયને કારણે વૈશ્વિક રોકાણકારોમાં ફફડાટ ફેલાશે. ભારતના સેન્સેક્સ અને નિફ્ટી સહિત અમેરિકા અને યુરોપના શેરબજારો ધરાશાયી થઈ શકે છે. સોનાના ભાવ આસમાને પહોંચશે અને વૈશ્વિક અર્થતંત્ર ભારે મંદીની ચપેટમાં આવી જશે.
ભારત પર સીધી અસર
ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. મિડલ-ઈસ્ટમાં તણાવ વધવાથી ભારતનું આયાત બિલ વધશે, જેનાથી રૂપિયો નબળો પડશે. આ ઉપરાંત, લાખો ભારતીયો ખાડી દેશોમાં રોજગારી મેળવે છે, તેમની સુરક્ષા અને વતન વાપસી ભારત સરકાર માટે મોટો પડકાર બની જશે.
ટ્રમ્પની 'ઐતિહાસિક શાંતિ ડીલ' હાલ તો માત્ર કાગળ પર જ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'ઐતિહાસિક શાંતિ ડીલ' હાલ તો માત્ર કાગળ પર જ સીમિત દેખાઈ રહી છે. ઇઝરાયેલનો આક્રમક અભિગમ એ સાબિત કરે છે કે મિડલ-ઈસ્ટમાં શાંતિનો રસ્તો વોશિંગ્ટનથી નહીં, પરંતુ તેલ અવીવ (ઇઝરાયેલ) અને તેહરાન (ઈરાન) ની સરહદો પરથી નક્કી થશે. જો સમય રહેતા અમેરિકા ઇઝરાયેલને મનાવવામાં નિષ્ફળ રહ્યું, તો આ આખી શાંતિ પ્રક્રિયા એક એવા ભયાનક બારૂદી સુરંગમાં ફેરવાઈ જશે, જેને સંભાળવી અમેરિકા કે દુનિયાના કોઈ દેશ માટે શક્ય નહીં હોય.
આ પણ વાંચો---- Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય