સાઉદી અરબમાં સોમવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા એક ટેન્કર સાથે બસની ટક્કરમાં ભારતીય ઉમરા યાત્રીઓના મોતની આશંકા છે. આ તમામ યાત્રીઓ મદિના ઉમરા કરવા જઇ રહ્યા હતા. ઈસ્લામ ધર્મમાં ઉમરા એક અત્યંત પવિત્ર અને મહત્વનું ધાર્મિક કર્તવ્ય છે. ચાલો વિગતે જાણીએ કે ઉમરા શું છે કોણ જઇ શકે અને કેવી રીતે ઉમરા કરવામાં આવે.


1. ઉમરા શું છે?

ઉમરા (Umrah) ઈસ્લામ ધર્મમાં કરવામાં આવતું એક અત્યંત પવિત્ર અને મહત્વનું ધાર્મિક કર્તવ્ય છે.

તેને ક્યારેક “નાની હજ” પણ કહેવામાં આવે છે, કારણ કે તે હજ જેવી જ કેટલીક રિતિ-રિવાજ વડે કરવામાં આવે છે, પરંતુ તેને ખાસ મહિનામાં જ કરવું જરૂરી નથી.

ઉમરામાં મુખ્ય ચાર કાર્યો હોય છે:

ઇહરામ ધારણ કરવું

તવાફ – કાબાના સાત ફેરા લેવા

સઈ – સફા અને મરવા પર્વતો વચ્ચે ચાલવાનું

હલક અથવા કિસ્સા – વાળ કાપવા અથવા માથુ મુંડાવવુ

2. ઉમરા કોણ કરી શકે?

ઉમરા દરેક મુસ્લિમ માટે ખુલ્લું છે, જો તે શારીરિક રીતે તંદુરસ્ત હોય, આર્થિક રીતે સક્ષમ હોય, ઇહરામના નિયમોનું પાલન કરી શકે, મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ બંને કરી શકે, સ્ત્રીઓ સામાન્ય રીતે મહેરમ (પુરુષ ) સાથે જાય છે. ઉમરા કોઈ પણ ઉંમરે કરી શકાય છે, પરંતુ નાના બાળકો માટે માતા-પિતાની દેખરેખ જરૂરી છે.

3. ઉમરા કેમ કરવામાં આવે છે? તેના પાછળનું કારણ શું છે?

ઉમરા કરવા પાછળ ઘણા આધ્યાત્મિક અને ધાર્મિક કારણો છે.

પાપોની માફી માટે. હૃદય અને મનની પવિત્રતા માટે. અલ્લાહની નજીક થવાની તક મળે તે માટે. જીવનમાં બરકત અને રહેમત મેળવવા માટે.

આ એક વિશાળ આધ્યાત્મિક યાત્રા માનવામાં આવે છે

પયગંબર મુહંમદએ ઉમરાની ઘણી ફઝીલત બતાવી છે. ઉમરા મુસ્લિમો માટે અલ્લાહ સમક્ષ નમ્રતા, શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો રસ્તો છે.

ઉમરા કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

1. નિયત (નિય્યત) કરવી

ઉમરા કરવા માટે દિલથી ઇરાદો કરવો -“લબ્બૈક અલ્લાહુમ્મા ઉમરા”. આપણે જે રીતે કોઇ કાર્ય માટે સંકલ્પ કરીએ એ રીતે તેઓ ઇરાદો કરે.

2. ઇહરામ ધારણ કરવું

પુરુષો માટે: બે સફેદ બિનસીવાયેલા કપડા

સ્ત્રીઓ માટે: કોઈ પણ સામાન્ય શિસ્તભર્યું કપડું

ઇહરામ પહેર્યા પછી ઘણા નિયંત્રણો શરૂ થાય છે જેમકે વાળ ન કાપવા, સુગંધ ન લગાવવી, શિકાર ન કરવો, ઝઘડો ન કરવો વગેરે. ટુંકમા સરળ જીવન જીવવુ.

3. હજ્જી મીકાત પાર કરવી

મીકાત તે સ્થળ છે જ્યાંથી ઇહરામમાં પ્રવેશવું જરૂરી છે.

મીકાત પાર કરતા સમયે તલબિયા પઢવું:

“લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક…”

4. મસ્જિદ અલ-હરામમાં પ્રવેશ

કાબા દેખાય ત્યારે હાથ ઉંચા કરીને દુઆ કરવી.

5. તવાફ (કાબાના 7 ચક્કર)

હજર-એ-અસવદ (કાળા પથ્થર)થી શરૂઆત

કાબાના ડાબા હાથ તરફ 7 ફેરા ફરવા

દરેક રાઉન્ડમાં દુઆ, તિલાવત, ઇસ્તિગફાર

6. બે રકાત નમાજ-એ-તવાફ

તવાફ પૂરું કર્યા પછી માકામ-એ-ઇબ્રાહિમ પાસે બે રકાત નમાજ.

7. સઈ (સફા-મરવા 7 ચક્કર)

સફાથી શરૂઆત મરવા પર અંત

કુલ 7 રાઉન્ડ

હજર-એ-હાજરા (હાજરાની કહાણી)ની યાદમાં આ ક્રિયા કરવામાં આવે છે.

8. હલક અથવા કિસ્સા (વાળ કપાવવા)

પુરુષો: સામાન્ય રીતે પૂરા વાળ મુંડાવે છે

સ્ત્રીઓ: થોડા વાળ (1-2 ઇંચ) કાપે છે

આ સાથે તમારો ઉમરા પૂર્ણ થાય છે.

ઉમરા અને હજ વચ્ચેનો ફરક

ઉમરા કરવી ફરજીયાત નથી જ્યારે હજ જીવનમાં એકવાર કરવી જ પડે છે. ઈસ્લામના 5 સ્તંભોમાંથી એક હોવાથી હજ કરવી ફરજીયાત છે. ઉમરા માટે કોઇ ચોક્કસ સમય નથી હજનો ચોક્કસ સમય ગાળો હોય છે. ઉમરાને નાની હજ કહે છે જ્યારે હજ સૌથી મોટી ધાર્મિક યાત્રા કહેવાય છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: