સાઉથ સુદાનની રાજધાની જૂબા નજીક સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના બની છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર એક નાનું પેસેન્જર વિમાન ક્રેશ થતાં તેમાં સવાર તમામ મુસાફરો અને પાયલટનું મોત થયું છે. આ વિમાન એક Cessna મોડલનું હતું, જેને જૂબા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 07:15એ ઉડાન ભરી હતી. ટેકઓફ પછી લગભગ 20 કિલોમીટર દૂર તે ક્રેશ થઈ ગયું. સત્તાવાર માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈ જીવિત બચ્યું નથી.


ઓછી વિઝિબિલિટી દુર્ઘટનાનું મુખ્ય કારણ

સાઉથ સુદાન સિવિલ એવિએશન ઓથોરિટીએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટી દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. વિમાનમાં 12 સાઉથ સુદાનના નાગરિકો અને 2 કેન્યાના નાગરિકો સવાર હતા. ઘટનાસ્થળે પહોંચેલી UN રેસ્ક્યુ ટીમના એક સભ્યએ જણાવ્યું કે તમામ મૃતદેહો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. હાલમાં બચાવ કામગીરી અને તપાસ ચાલુ છે.

છેલ્લા કેટલાય સમયથી વિમાન દુર્ઘટનાઓમાં થયો વધારો

સાઉથ સુદાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાન દુર્ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. દેશની નબળી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ખરાબ હવામાન અને ક્યારેક ઓવરલોડિંગને કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. અગાઉ પણ અનેક મોટા વિમાન અકસ્માતોમાં ડઝનેક લોકોના મોત થયા છે. હાલ સત્તાવાળાઓ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને ક્રેશ સાઇટ પરથી વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : World News : અફઘાનિસ્તાનની યૂનિવર્સિટી પર પાકિસ્તાનનો હુમલો, 4 લોકોના મોત


  • Follow us on: