વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને કાચા તેલના વ્યાપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે આગામી 30 દિવસની અંદર આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને સામાન્ય અવરજવર માટે ફરીથી ખોલી દેવામાં આવશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ આ પગલાને અમેરિકા અને ઈરાન વચ્ચે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (MoU) નો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે.  


જંગ પહેલા જેવી જ સ્થિતિ પુનઃસ્થાપિત કરાશે

બગદાદમાં ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસૈન સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં અબ્બાસ અરાગચીએ માહિતી આપી હતી કે, કરાર હેઠળ હોર્મોઝ આગામી 30 દિવસમાં એવી જ રીતે સંપૂર્ણપણે ખુલી જશે જેવી રીતે તે યુદ્ધ પહેલા કાર્યરત હતો. ઈરાન આ દરિયાઈ માર્ગમાં ઉભા થયેલા તમામ અવરોધોને દૂર કરવા માટે તૈયાર છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ જળમાર્ગનું સંચાલન અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે ઈરાન દ્વારા નક્કી કરાયેલા નિયમો અને વ્યવસ્થા હેઠળ જ રહેશે.  

બાહ્ય હસ્તક્ષેપ પર ઈરાનની કડક ચેતવણી

આ જાહેરાત સાથે જ ઈરાને વૈશ્વિક શક્તિઓને કડક ચેતવણી પણ આપી છે. ઈરાની વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંચાલનમાં કોઈપણ ત્રીજા દેશ કે બાહ્ય સંસ્થાની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. જો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવશે, તો આ માર્ગ ખોલવામાં વિલંબ થઈ શકે છે અને તેનાથી આ વિસ્તારમાં સૈન્ય તણાવ વધુ વધી જશે. તેમણે તમામ પક્ષોને અપીલ કરી છે કે તેઓ સહી થયેલા MoU નું ચુસ્તપણે પાલન કરે અને આ પ્રક્રિયાને પોતાના નિર્ધારિત રસ્તા પરથી ભટકવા ન દે.  

લેબનાન હુમલા અંગે અમેરિકાની જવાબદારી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈરાને લેબનાન પર થઈ રહેલા ઈઝરાયેલી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અરાગચીએ જણાવ્યું કે કરાર (MoU) ની કલમ 1 મુજબ લેબનાન સહિતના તમામ મોરચે યુદ્ધનો અંત આવવો જરૂરી છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતી છતાં ઈઝરાયેલ સંગઠનો પર પોતાના હુમલા ચાલુ રાખી રહ્યું છે અને આ હુમલાઓને રોકવાની સંપૂર્ણ જવાબદારી અમેરિકાની છે.  

  • Follow us on: