અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીક પ્રોડક્ટ પરથી રેસિપ્રોકલ ટેરિફ હટાવી દીધુ છે. એટલે હવે અમુક જ ચીજ વસ્તુઓ પર રેસિપ્રોકલ ટેરિફ લાગશે. અમેરિકી વ્હાઇટ હાઉસએ 2 એપ્રિલના રોજ લાગુ કરાયેલા તેના પારસ્પરિક ટેરિફમાં ફેરફાર કર્યા છે અને બુલિયન સંબંધિત વસ્તુઓ અને કેટલીક મહત્વપૂર્ણ ખનિજો અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો સહિત કેટલીક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપી છે.
આ ઉત્પાદનો પર ટેરિફ લાગુ
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે નવા ઓર્ડરમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, રેઝિન અને સિલિકોન ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે, જેના પર પારસ્પરિક ડ્યુટી લાગુ થશે. શુક્રવારે જાહેર કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારો સોમવારથી અમલમાં આવશે.
આના પર પણ કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં
શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાસ ઓર્ડર જાહેર કર્યો હતો. જેમાં ગ્રેફાઇટ, ટંગસ્ટન, યુરેનિયમ, ગોલ્ડ બુલિયન અને અન્ય ઘણી ધાતુઓ પર દેશ-આધારિત ટેરિફ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ સિલિકોન ઉત્પાદનો પર આ ડ્યુટી લાદવામાં આવી છે. સ્યુડોફેડ્રિન, એન્ટિબાયોટિક્સ અને કેટલીક અન્ય દવાઓ, જે પહેલાથી જ વાણિજ્ય વિભાગની તપાસ હેઠળ હતી, તેમને પણ આ નવા ઓર્ડરથી રાહત મળી છે. સિલિકોન ઉત્પાદનો ઉપરાંત, ટ્રમ્પે રેઝિન અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પરના ટેરિફમાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે.
કોને પ્રભાવિત કરશે આ સુધારો
ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ વેપાર અસંતુલનને સુધારવા માટેની એક મોટી યોજનાનો ભાગ છે જેને તેમણે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. ગયા મહિને ઘણા દેશો પર વ્યક્તિગત ટેરિફ લાદતા પહેલા ટ્રમ્પે કેટલાક દેશો સાથે કરાર કર્યા હતા જેમાં વિદેશી રોકાણકારો ઓછા ટેરિફના બદલામાં અમેરિકન માલ પરના પ્રતિબંધો હટાવશે. આ ટેરિફ અને બીજા અન્ય કરારો ઉતાવળમાં કેટલાક મહિનાઓમાં જ પસાર થયેલા છે. જેનાથી ચિંતા વધી છે કે આ જરૂરી બજારોને પ્રભાવિત કરી શકે છે અને તે ચીજ વસ્તુઓની કિંમત વધારી શકે છે. જેને અમેરિકામાં બનાવી કે પ્રાપ્ત કરવામાં આવી શકતુ નથી.