દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અનુસાર દુનિયાનુ ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI નક્કી કરવાના છે અને એ દુનિયામાં પૈસા ગાયબ જ થઇ જાય છે. નોકરીઓ વૈકલ્પિક શોખ બની જશે અને ગરીબીનુ અસ્તિત્વ સમાપ્ત થઇ જશે. આ દરેક વસ્તુ સાંભળવામાં કાલ્પનિક લાગે છે પરંતુ જ્યારે દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓને ચલાવનારા અને AI ટેકની દુનિયાના કદાવર વ્યક્તિ આ વાત બોલે તો 10 વખત જરૂર સાંભળવી જોઇએ.
ભવિષ્યની દુનિયા બતાવી
અમેરીકા સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં એનવિડિયાના CEO જેન્સન હુઆંગ સાથે બોલતાં મસ્કે કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સથી સંપૂર્ણ રીતે બદલાઈ ગયેલી ભવિષ્યની દુનિયાનું વિશાળ દૃશ્ય રજૂ કર્યું. તે દુનિયામાં ચલણનું કોઈ નામ નહીં હોય અને કામ કરવાની કોઇ જરૂરત જ નહીં રહે.
માનવ શ્રમ કરશે કે નહીં, તે તેની ઇચ્છા પર નિર્ભર રહેશે
મસ્કે કહ્યું,આ ચલણ અપ્રાસંગિક બની જશે. વીજળી અને દ્રવ્ય જેવી અડચણો ત્યારે પણ રહેશે, પરંતુ પૈસાની પ્રાસંગિકતા સમાપ્ત થઈ જશે. અહીં મસ્કે સાયન્સ ફિક્શન લેખક ઇયાન એમ. બેન્ક્સની કલ્ચર શ્રેણીનો ઉલ્લેખ કર્યો. તેમાં ભવિષ્યના સમાજને દર્શાવવામાં આવ્યો છે જ્યાં AI અને રોબોટ જ બધું કામ કરે છે. માનવ શ્રમ કરશે કે નહીં, તે તેની ઇચ્છા પર નિર્ભર રહેશે. મસ્કે સમજાવ્યું, આ એ બતાવે છે કે AI દ્વારા સર્જાયેલું સંભવિત ભવિષ્ય કેવું હોઈ શકે.
ભવિષ્યમાં કામ કરવું પણ એ જ રીતે વિકલ્પરૂપ રહેશે
આ ભવિષ્યમાં તેમણે કામને બાગબગીચાં જેવા શોખ તરીકે વર્ણવ્યું એક એવું કાર્ય જે આનંદ માટે કરવામાં આવે, જીવન માટે નહીં. તેમણે કહ્યું, ઘરના પાછળ શાકભાજી ઉગાડવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ કેટલાક લોકો આજે પણ એ કરે છે કારણ કે તેમને શાકભાજી ઉગાડવાનું ગમે છે. ભવિષ્યમાં કામ કરવું પણ એ જ રીતે વિકલ્પરૂપ રહેશે.