પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથેના ઊંડા સંબંધોનું વધુ એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ 14 ઓગસ્ટે ખુલ્લેઆમ ભારતીય હુમલામાં ઠાર થયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીની કબર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. લાહોરના મુરીદકેમાં જીઓસી લાહોર ડિવિઝનના મેજર જનરલ રાવ ઇમરાન સરતાજ, સંઘીય મંત્રી મલિક રશીદ અહમદ ખાન, ડીપીઓ કસૂર મુહમ્મદ ઇસા ખાન અને ડેપ્યુટી કમિશનર ઇમરાન અલીએ મુદસ્સિર અહમદની કબરની મુલાકાત લીધી હતી. મુદસ્સિર LeT નો મુખ્ય સંચાલક હતો, જે ઈન્ડિયન એરલાઈન્સના વિમાન IC-814 ના અપહરણ અને 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે સંકળાયેલો હતો. તે ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર'માં માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક હતો, જેણે લશ્કરના મુખ્યમથક 'મરકઝ તૈયબા'ને નિશાન બનાવ્યું હતું.
પાકિસ્તાનના બેવડા વલણનો વધુ એક પુરાવો
મરકઝ તૈયબા પરના ભારતીય હુમલામાં મુદસ્સિર અહમદ ઉપરાંત યુસુફ અઝહર અને અબ્દુલ મલિક રઉફ જેવા અન્ય ટોચના લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ પણ ઠાર થયા હતા. અઝહર અને રઉફ ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવા બદલ લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ હતા. 7 મેના રોજ મુદસ્સિર અહમદના અંતિમ સંસ્કારની આગેવાની લશ્કરના કમાન્ડર અબ્દુલ રઉફ (અબ્દુર રઉફ)એ કરી હતી, જે યુએસ દ્વારા ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર થયેલું છે. આ ઘટના પાકિસ્તાનના બેવડા વલણનો વધુ એક પુરાવો છે.
પાકિસ્તાનનું દંભી વલણ
પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને પંજાબ પ્રાંતના પોલીસ મહાનિરીક્ષક (IGP)ને લશ્કર-એ-તૈયબાના સભ્યો સાથે મુદસ્સિર અહમદના અંતિમ સંસ્કારની નમાઝ અદા કરતા પણ જોવામાં આવ્યા હતા. આ ઘટના યુનાઈટેડ નેશન્સ અને યુએસ દ્વારા સૂચિબદ્ધ આતંકવાદીઓને પાકિસ્તાનની સરકાર અને સેના દ્વારા આપવામાં આવતા સતત સમર્થનને ઉજાગર કરે છે. એક તરફ પાકિસ્તાન જાહેરમાં આતંકવાદ સામે લડવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ તેની સરકારી મશીનરી વિશ્વના સૌથી વોન્ટેડ આતંકવાદીઓને સન્માનિત કરતી જોવા મળે છે. આ ઘટનાક્રમ પાકિસ્તાનના દંભી વલણને સ્પષ્ટપણે દર્શાવે છે.