અમેરિકામાં વર્ષના અંતમાં યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચારમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ કે ચહેરાનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લઈ શકે છે. ટ્રમ્પના પોતાના સલાહકારોએ જ આ વ્યૂહરચના તૈયાર કરી છે, કારણ કે ઈરાન સાથેના યુદ્ધને પગલે ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
લોકપ્રિયતામાં મોટો ઘટાડો
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, એપ્રિલ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઘટીને માત્ર 30% પર પહોંચી ગયું છે, જે માર્ચમાં 38% હતું. ખાસ કરીને મોંઘવારી અને જીવનનિર્વાહના મુદ્દે માત્ર 22% લોકો જ ટ્રમ્પની નીતિઓને સમર્થન આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જો પાર્ટી ટ્રમ્પના ચહેરા સાથે ચૂંટણી લડે તો તેને મોટું નુકસાન થઈ શકે તેમ છે.
MAGA સમર્થકોમાં રોષ
ટ્રમ્પના કટ્ટર સમર્થકો ગણાતા પ્રભાવશાળી લોકો પણ હવે તેમનાથી અંતર જાળવી રહ્યા છે. પ્રખ્યાત યુટ્યુબર ટકર કાર્લસન અને ફોક્સ ન્યૂઝના મેગન કેલી જેવા લોકોએ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કર્યો છે. ટ્રમ્પે 2024ની ચૂંટણીમાં અમેરિકાને યુદ્ધથી દૂર રાખવાનું વચન આપ્યું હતું, પરંતુ ઈરાન સાથેના યુદ્ધમાં ઝંપલાવતા તેમના 'મેક અમેરિકા ગ્રેટ અગેન' (MAGA) અભિયાનના 17% સમર્થકો હવે પસ્તાવો કરી રહ્યા છે.
ચૂંટણી વ્યૂહરચનામાં ફેરફાર
રિપબ્લિકન પાર્ટી હવે ડેમોક્રેટ્સ વિરુદ્ધ 'નેગેટિવ કેમ્પેઈન' ચલાવવાની યોજના બનાવી રહી છે. મતદારોને એવું સમજાવવામાં આવશે કે જો ડેમોક્રેટ્સને બહુમતી મળશે તો દેશની સ્થિતિ વધુ ખરાબ થશે. હાલમાં યુએસ કોંગ્રેસની 435 અને સેનેટની 35 બેઠકો માટે રસાકસી જામી છે. રિપબ્લિકન પાર્ટી માટે આ ચૂંટણી જીતવી અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.
આ પણ વાંચો:NATOમાં મોટું વિભાજન,અમેરિકાએ તૈયાર કર્યું 'ગુડ-બેડ' લિસ્ટ, સાથ ન આપનારા દેશોને સૈન્ય મદદ નહીં મળે