અમેરિકાના જૂના અને નિવૃત્ત થઈ રહેલા રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાનને વિદાય આપ્યાના બરાબર એક દિવસ પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નવા કામચલાઉ હવાઈ કાર્યાલયનું ભવ્ય અનાવરણ કર્યું છે. કતારના ગલ્ફ અમીરાત દ્વારા ભેટમાં આપવામાં આવેલા $400 મિલિયન (આશરે ₹3,300 કરોડથી વધુ) ની કિંમત છે. આ બોઇંગ 747ને ટ્રમ્પે વિશ્વનું સૌથી વૈભવી અને ભવ્ય વિમાન ગણાવ્યું છે. કતારે ભેટ આપેલ આ વિમાનને લઈને અમેરિકામાં રાજકીય વિવાદ ઉઠયો છે.


કતારે ભેટમાં આપેલ વિમાનનો ટ્રમ્પ કરશે ઉપયોગ

સામાન્ય રીતે અમેરિકન રાષ્ટ્રપતિ જે વિમાનમાં સફર કરે છે તેને "એરફોર્સ વન" તરીકે ઓળખવામાં આવે છે. આગામી પેઢીના સત્તાવાર અમેરિકન વિમાનો (જે ૨૦૨૭-૨૦૨૮માં આવવાના છે) તૈયાર ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ નવા કતારી વિમાનથી જ પોતાની હવાઈ મુસાફરીઓ ખેડશે. ટ્રમ્પ આવતા મહિને તુર્કીના અંકારા ખાતે યોજાનારી નાટો (NATO) સમિટમાં આ નવા વિમાનમાં ઉડાન ભરીને પોતાની સફરની શરૂઆત કરશે.

મેરીલેન્ડના બેઝ પર અનાવરણ: વૈભવી દેખાવ

શુક્રવારે મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે આવેલા એક વિશાળ હેંગરમાં ટ્રમ્પે આ વિમાન (VC-25B) દેશ સમક્ષ રજૂ કર્યું હતું. આ આલીશાન જેટ લાલ, સફેદ, નેવી બ્લુ અને સોનેરી (ગોલ્ડ) રંગની અત્યંત આકર્ષક ડિઝાઈનથી સજ્જ છે.

નિયમોનું ઉલ્લંઘન? ભેટ પર અમેરિકામાં રાજકીય વિવાદ

કતાર તરફથી મળેલી આ અબજો રૂપિયાની ભેટ હવે અમેરિકામાં મોટા રાજકીય વિવાદ અને ટીકાનું કેન્દ્ર બની છે. તેનું મુખ્ય કારણ યુએસ પ્રશાસનના કડક નિયમો છે. અમેરિકી કાયદા અનુસાર, કોઈપણ રાષ્ટ્રપતિ એક કેલેન્ડર વર્ષમાં વિદેશી સ્ત્રોત તરફથી વધુમાં વધુ $50 (આશરે ₹4,000) સુધીની જ અવાંછિત ભેટ સ્વીકારી શકે છે. આ વિમાનની કિંમત નિર્ધારિત મર્યાદા કરતા લાખો ગણી વધારે છે. આ ઉપરાંત, આ વિમાનને અમેરિકી રાષ્ટ્રપતિની કડક સુરક્ષા સિસ્ટમ અને ટેકનોલોજી અનુસાર સંપૂર્ણ રૂપાંતરિત કરવા માટે આશરે $1 બિલિયન (રૂ. ૮,૦૦૦ કરોડથી વધુ) નો માતબર ખર્ચ થશે.

ટ્રમ્પ અને પેન્ટાગોને કર્યો બચાવ

વિરોધીઓની ટીકાઓને ફગાવી દેતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "આટલી મોટી અને શાનદાર ઓફરને નકારી કાઢવી એ માત્ર મૂર્ખામી ગણાય." બીજી તરફ, પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ મંત્રાલય) ના પ્રવક્તા સીન પાર્નેલે આ નિર્ણયનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું કે, "સંરક્ષણ સચિવે કતાર તરફથી આ બોઇંગ 747 વિમાન તમામ ફેડરલ નિયમો અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને જ સ્વીકાર્યું છે."

કામચલાઉ ઉકેલ પાછળનું અસલી કારણ

આ કતારી વિમાનનો ઉપયોગ માત્ર એક અસ્થાયી (Temporary) વ્યવસ્થા તરીકે કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, યુએસ એરફોર્સના બે મુખ્ય સત્તાવાર રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટના નિર્માણમાં મોટો વિલંબ થયો છે અને તે હવે વર્ષ 2027 અને 2028 માં ડિલિવર થશે. આ વિલંબના કારણે આ આખા પ્રોજેક્ટનો મૂળ ખર્ચ $3.7 બિલિયનથી વધીને સીધો $5 બિલિયન પર પહોંચી ગયો છે.

"વિશ્વ આપણું સન્માન કરે છે" ટ્રમ્પ

અનાવરણ દરમિયાન કતારના અમીરનો આભાર માનતા ટ્રમ્પે જણાવ્યું કે, "તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે. આ વિમાન જે સ્તર પર બનાવવામાં આવ્યું છે, તેવું કદાચ ભવિષ્યમાં ક્યારેય જોવા નહીં મળે." વિદેશી નેતાઓ પાસેના આધુનિક વિમાનોનો હવાલો આપતા તેમણે ઉમેર્યું કે, "દુનિયાના અન્ય દેશો આપણું ખૂબ સન્માન કરે છે, છતાં તેમની પાસે આપણા કરતા ઘણા નવા અને ચઢિયાતા વિમાનો છે, જે થોડું હાસ્યાસ્પદ લાગતું હતું. હવે આપણી પાસે પણ બેસ્ટ વિમાન છે."


આ પણ વાંચો : Donald Trumpના G7: ટ્રમ્પના એક નિવેદનથી ભડક્યું ઈટાલી, વિદેશ મંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો!

  • Follow us on: