આંતરરાષ્ટ્રીય ડેસ્ક: અમેરિકાની ટ્રમ્પ સરકાર કેટલાક ઇરાની નાગરિકો અને અન્ય દેશોના શરણાર્થીઓને મધ્ય આફ્રિકાના દેશ 'સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક' (મધ્ય આફ્રિકી ગણરાજ્ય) માં મોકલવાની તૈયારી કરી રહી છે. આ એવો દેશ છે જે લાંબા સમયથી અત્યંત ગરીબી, હિંસા અને રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકાની આ નવી યોજના હેઠળ ઇરાન, સીરિયા, અફઘાનિસ્તાન અને તુર્કીના કેટલાક નાગરિકોને ત્યાં મોકલવામાં આવી શકે છે, જેને પગલે માનવાધિકાર સંગઠનોએ ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.


જો ઇરાન જાય તો જીવનું જોખમ

અમેરિકા જે લોકોને આફ્રિકા મોકલવાની તૈયારી કરી રહ્યું છે તેમાં બે ઇરાની મહિલાઓ પણ સામેલ છે. તેમાંથી એક મહિલાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે, જ્યારે બીજી મહિલા લોકશાહી સમર્થક કાર્યકર્તા છે. વકીલોના જણાવ્યા અનુસાર, જો આ મહિલાઓને ઇરાન પરત મોકલવામાં આવે તો ત્યાં તેમને ધરપકડ, ટોર્ચર અથવા ઉત્પીડનનો સામનો કરવો પડી શકે છે. આ મહિલાઓ નવેમ્બર 2024માં શરણ લેવા અમેરિકા પહોંચી હતી. અમેરિકનની ઇમિગ્રેશન કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ઇરાન પરત ફરવા પર તેમના જીવનું જોખમ 50% કરતા વધુ છે. આ કાનૂની અડચણને કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર તેમને ઇરાન મોકલવાને બદલે કરાર હેઠળ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક મોકલી રહ્યું છે.

શું છે ટ્રમ્પની 'થર્ડ કન્ટ્રી ડિપોર્ટેશન પોલિસી'?

ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં આ 'થર્ડ કન્ટ્રી ડિપોર્ટેશન' (ત્રીજા દેશમાં દેશનિકાલ) નીતિ અપનાવી છે. આ નીતિ હેઠળ, જે શરણાર્થીઓને કાનૂની કે માનવીય કારણોસર સીધા તેમના મૂળ દેશમાં પરત મોકલી શકાતા નથી, તેમને અમેરિકા કોઈ ત્રીજા દેશ સાથે કરાર કરીને ત્યાં મોકલી દે છે. અમેરિકાએ તાજેતરમાં જ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક સાથે આવો જ એક કરાર કર્યો છે. પ્રથમ ફ્લાઇટમાં આશરે 20 જેટલા ઇરાની, સીરિયન અને અફઘાન નાગરિકોને ત્યાં મોકલવામાં આવશે, જ્યાં તેમને રાજધાની બાંગુઈમાં એપાર્ટમેન્ટ્સમાં રાખવામાં આવશે.

નિર્ણયની આકરી ટીકા

વર્ષ 1960માં ફ્રાન્સથી આઝાદ થયેલો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દેશ આજે પણ આંતરિક યુદ્ધ અને ભયાનક ગરીબીથી પીડિત છે. આશરે 55 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત નબળી છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે અમેરિકા એક તરફ ઇરાનના લોકોની સ્વતંત્રતાનું સમર્થન કરવાનો દાવો કરે છે અને બીજી તરફ તે જ લોકોને આવા અસુરક્ષિત દેશમાં ધકેલી રહ્યું છે, જે માનવીય દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી.

આ પણ વાંચો: Myanmar:આ દેશમાં સેનિટરી પેડ પર મુકાયો પ્રતિબંધ, સરકારના તર્ક સાંભળી માથું પકડી લેશો!

  • Follow us on: