મધ્ય પૂર્વ વિસ્તારમાં તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તુર્કીયે અને ઈરાન વચ્ચે તણાવ વધુ ગંભીર બન્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ઈરાન દ્વારા છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલને તુર્કીયે પોતાના એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઈટર જેટ્સની મદદથી ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં જ તોડી પાડી હતી.
તુર્કીયેએ પોતાની એરફોર્સના 6 ફાઈટર જેટ્સ તૈનાત કર્યા
મળતી માહિતી મુજબ ઈરાની મિસાઈલ તુર્કીયે તરફ વધતી હોવાની માહિતી મળતા જ તુર્કીયેની સેનાએ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. મિસાઈલને રોકવા માટે તુર્કીયેએ પોતાની એર ફોર્સના 6 ફાઈટર જેટ્સ તૈનાત કર્યા હતા. આ ફાઈટર જેટ્સે મિસાઈલને ટ્રેક કરી અને તેને ભૂમધ્ય સમુદ્ર ઉપર જ નિષ્ક્રિય બનાવી દીધી હતી. આ ઘટનાને પગલે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. તુર્કીયે તરફથી કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ પ્રકારની ધમકી સામે કડક જવાબ આપવામાં આવશે.













