રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં હવે એક નવો અને સંભવિત નિર્ણાયક વળાંક આવવાનો છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પુષ્ટિ આપી હતી કે તેઓ ટૂંક સમયમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ બેઠકનો હેતુ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુદ્ધવિરામની શક્યતાઓ શોધવાનો છે.
તારીખ અને સ્થાનની જાહેરાત બાકી
પુતિને સ્પષ્ટ કર્યું કે આ બેઠક માટે સંયુક્ત આરબ અમીરાતને સંભવિત સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. અબુ ધાબીના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને "મિત્ર" ગણાવતા, તેમણે કહ્યું કે UAE આ વાતચીતનું આયોજન કરવા તૈયાર છે. પુતિને કહ્યું, આપણા ઘણા મિત્રો છે જે આવી બેઠકોનું આયોજન કરવામાં મદદ કરવા માંગે છે. તેમાંથી એક અમારા પ્રિય મિત્ર, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ છે. આ પહેલી વાર બનશે જ્યારે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો બિન-પશ્ચિમી, તટસ્થ જગ્યામાં યુક્રેન યુદ્ધ પર સામ-સામે ચર્ચા કરશે. ક્રેમલિને પુષ્ટિ આપી છે કે આ બેઠક આવતા દિવસોમાં યોજાશે. જોકે, હજુ સુધી ચોક્કસ તારીખ અને સ્થાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાજકારણના બદલાઇ શકે છે સમીકરણ
વાતચીતનું કેન્દ્રબિંદુ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામના માર્ગો શોધવા પર રહેશે. અત્યાર સુધીમાં, મોસ્કો અને કિવ વચ્ચે સીધી વાતચીતના ત્રણ રાઉન્ડ થયા છે. પરંતુ કોઈ નક્કર પરિણામો પ્રાપ્ત થયા નથી. બંને પક્ષોની શરતો હજુ પણ ઘણી દૂર છે. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેઓ પુતિનને ખૂબ જ ટૂંક સમયમાં રૂબરૂ મળશે. આ બેઠક પહેલા, ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે મોસ્કોમાં પુતિનને મળ્યા હતા. આ બેઠકનો હેતુ રશિયાને કોઈક રીતે યુદ્ધવિરામ કરાર માટે સંમત થવા માટે મનાવવાનો હતો. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે વ્હાઇટ હાઉસે રશિયાને ચેતવણી આપી છે કે જો યુદ્ધ સમાપ્ત નહીં થાય તો તેને કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. આ બેઠક માત્ર યુક્રેન કટોકટીના ઉકેલ માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. પરંતુ તે વૈશ્વિક રાજકારણના સમીકરણને પણ બદલી શકે છે.