રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે રશિયાએ તાજેતરના મહિનાઓનો સૌથી મોટો અને વિનાશક હવાઈ હુમલો કરીને યુક્રેનને હચમચાવી દીધું છે. સેંકડો ડ્રોન અને અદ્યતન મિસાઈલો વડે રાજધાની કિવ સહિત સમગ્ર યુક્રેનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 90 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
યુક્રેન પર રશિયાનો ભયંકર હુમલો, ડ્રોન અને મિસાઇલો છોડી
યુક્રેનિયન વાયુસેનાના સત્તાવાર આંકડા અનુસાર, રશિયાએ આ હુમલામાં એકસાથે 656 ડ્રોન અને 73 મિસાઇલો છોડી હતી. યુક્રેનની વાયુ સંરક્ષણ પ્રણાલી (Air Defence System) એ ઘણા હુમલા નિષ્ફળ બનાવ્યા હોવા છતાં, રશિયાના 54 ડ્રોન અને 33 મિસાઇલો આ સુરક્ષા કવચને ભેદીને શહેરો પર તૂટી પડ્યા હતા. આના કારણે અનેક રહેણાંક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને ચારેય તરફ કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે.
પેટ્રિઅટ મિસાઇલોની ભારે અછત, ઝેલેન્સકીની વધી ચિંતા
આ હુમલાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે યુક્રેન પાસે રશિયન બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે જરૂરી 'પેટ્રિઅટ એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલો' (Patriot Anti-Ballistic Missiles) ની ભારે અછત છે. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે વર્તમાન મર્યાદિત શસ્ત્રાગાર સાથે આટલા મોટા પાયે થતા હુમલાઓને રોકવા અશક્ય છે. તેમણે અમેરિકા અને યુરોપિયન સાથી દેશો પાસે તાત્કાલિક સૈન્ય સહાયની ગુહાર લગાવી છે.
ઝેલેન્સકીએ અમેરીકા પાસે લગાવી મદદની ગુહાર
યુક્રેન અને રશિયાનું યુદ્ધ ભયંકર બનતા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસ અને યુએસ કોંગ્રેસને પત્ર લખીને એક મોટો પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. અત્યાર સુધી માત્ર તૈયાર શસ્ત્રો માંગતું યુક્રેન હવે અમેરિકા પાસે 'પેટ્રિઅટ મિસાઈલનું ઉત્પાદન લાયસન્સ'માંગી રહ્યું છે, જેથી તે પોતાની ધરતી પર જ આ સિસ્ટમ બનાવી શકે. રશિયા યુક્રેનની આ શસ્ત્ર અછતનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યું છે અને આગામી દિવસોમાં હુમલા વધુ તેજ બને તેવી આશંકા છે. જો પશ્ચિમી દેશોએ સમયસર મદદ ન મોકલી, તો યુક્રેનના શહેરો વધુ તબાહ થઈ જશે.
આ પણ વાંચો : White House:ટ્રમ્પ પર ફાયરિંગ બાદ રદ થયેલા 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર'ની નવી તારીખ જાહેર